સુરત : સુરત શહેર-જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની વધતી જતી સંખ્યા ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. કામરેજ તાલુકામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧ હજારને પાર કરી ગઇ છે. બારડોલીમાં પણ એવી જ પરિસ્થિતિ છે.કોરોનાની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે આવતીકાલે સરકાર દ્વારા જિલ્લામાં ત્રણ સ્થળોએ ખેડૂતોને એકઠા કરવાનો તાયફો કરાશે. સરકારના સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત કામરેજ, માંડવી અને બારડોલીમાં ૬૦૦ ખેડૂતોને એકત્ર કરવામાં આવનાર છે ત્યારે ચોતરફથી આ કાર્યક્રમ અંગે અનેક સવાલો થઈ રહ્યા છે. સુરત જિલ્લા પંચાયતની ૫મી માર્ચ બાદ કોરોનાના કહેરના કારણે સરકારી ગાઈડ લાઈનના અમલના બહાને સામાન્ય સભા યોજી શકાઈ નથી તંત્ર વાહકોને ૫૦ માણસોની એક સામાન્ય સભા નથી યોજી શકતા. જેથી જિલ્લાના વિકાસના અનેક કામો ખોરંભે પડયા છે. બીજી તરફ આગામી સમયમાં તાલુકા પંચાયત. જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે. જેમાં હવે ચૂંટણી નજીક આવતા ખેડૂતોના મત માટે સરકાર અને તંત્ર કોરોનાની ગાઈડ લાઈનનો ઉલાળીયો કરવા જઈ રહ્યું છે. આવતીકાલે ગુરુવારે સંવેદનશીલ સરકારના કહેવાતા સંવેદનશીલ મુખ્યમંત્રી રૂપાણી સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત પાક સંગ્રહ યોજના અને કિસાન પરિષદ યોજનાનું લોકાર્પણ કરનાર છે. આ કાર્યક્રમમાં સુરત જિલ્લામાંથી ત્રણ સ્થળોએ કલસ્ટર કક્ષાના મેળાવડા યોજાશે.કામરેજના કૃષિ મંગલ હોલ. બારડોલી નગરપાલિકા હોલ. અને માંડવી એપીએમસી પાછળ આવેલ કૃષિ હોલમાં સવારે ૯થી ૧૧.૩૦ દરમિયાન આ કાર્યક્રમ યોજાશે.કોવિડ-૧૯ની ગાઈડ લાઈન મુજબ બેઠક વ્યવસ્થા કરવા માટેની સુચના આપવામાં આવી હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે જિલ્લા પંચાયતના સદસ્ય અને ખેડૂત અગ્રણી દર્શન નાયક એ સરકારના આ કાર્યક્રમને તાયફો ગણાવ્યો છે.