દિલ્હી-

રાજધાનીમાં કૃષિ કાયદાની સામે આંદોલન કરી રહેલા ખેડૂતો આજે દેશભરમાં રેલ ટ્રેકને જામ કરી દેશે. ખેડૂતોએ પોતાના રેલરોકો રોષ પ્રદર્શનનો સમય બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધીનો જાહેર કર્યો છે. રેલવે દ્વારા રેલટ્રેક અને ટ્રેનો સહિતની અન્ય સંપત્તિની સુરક્ષા માટે રેલવે સુરક્ષાદળના ખાસ જવાનોને તૈનાત કરી દીધા છે અને તેમને ખાસ કરીને પશ્ચિમ બંગાળ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ધ્યાન આપવા સૂચના અપાઈ છે. 

ખેડૂત આંદોલન સમિતિના પ્રવક્તા જગતારસિંઘ બાજવાએ કહ્યું હતું કે, અમે લોકો અમારા આંદોલન દરમિયાન લોકોને કે મુસાફરોને કોઈ અસુવિધા ઊભી નહીં કરીએ. મુસાફરો જો તેમના કારણે ક્યાંક અટકશે તો તેમના માટે થોડો સમય નાસ્તાપાણીની પણ વ્યવસ્થા તેઓ કરવાના છે. ખેડૂત આંદોલન સમિતિના દર્શન પાલે કહ્યું હતું કે, ભાજપ આ સમસ્યાને ઉકેલવાને બદલે તેને પડકારીને તેને ખતમ કરી નાંખવા માંગે છે.