વડોદરા,તા.૫

વડોદરાની અત્યંત ટૂંકી મુલાકાતે આવેલ ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈતે શહેરના છાણી સ્થિત ગુરુદ્વારા નજીક પત્રકારો સાથે વાતચીત કરતા ભાજપ શાસિત કેન્દ્ર અને ગુજરાતની રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.તેઓએ હુંકાર સહ જણાવ્યું હતું કે જ્યાં સુધી કેન્દ્ર દ્વારા ઠોકી બેસાડવામાં આવેલા ખેડૂત વિરોધી ત્રણે કાળા કાયદાઓને પરત લેવામાં આવશે નહીં ત્યાં સુધી ખેડૂતો દિલ્હીની સરહદેથી ટસના મસ થવાના નથી.જગ્યા છોડવાના નથી. કેન્દ્રની નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર કોર્પોરેટ ગૃહોની સરકાર હોવાનો સનસનીખેજ આક્ષેપ તેઓએ કેન્દ્ર સરકાર પર કર્યો હતો. તેઓએ ગુજરાત રાજ્ય પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા ૨૫ વર્ષથી ખેડૂતોને દબાવીને રાખ્યા છે તેમને આઝાદ કરાવવા છે. ખેડૂત આંદોલન દેશભરમાં પ્રસારવામાં આવશે. આ આંદોલન ખેડૂતોની આઝાદીને માટેનું આંદોલન છે. આ આંદોલનને દબાવી દેવાને માટે કેન્દ્ર સરકારે તમામ રીતે પ્રયાસો કરવા છતાં આંદોલન વધુને વધુ મજબૂત થતું ગયું છે. જેને લઈને સરકાર અને અમે આંદોલનકારી ખેડૂતો એની એ જ જગ્યાએ છે.આ કેન્દ્રની સરકાર

કંપનીઓની એટલેકે કોર્પોરેટ ગૃહોની સરકાર છે. ખેડૂતો શાંતિપૂર્ણ આંદોલન ચલાવી રહ્યા છે. તેમજ એકજ માગ કરી રહયા છે કે સરકાર ખેડૂત વિરોધી કાનૂન પાછું ખેંચે અન્યથા દિલ્હીથી ખેડૂતો પાછા જવાના નથી. તેઓએ એવો ચોંકાવનારો આક્ષેપ પણ કર્યો હતો કે, હવે આવનારા દિવસોમાં વિદેશથી દૂધની આયાત થઈ રહી છે. જેને લઈને અમુલ જેવી કંપનીઓ બંધ થશે. અમારે પ્રેસની પણ જે આઝાદી છીનવાઈ ગઈ છે. એ પ્રેસને પણ અમારે આઝાદ કરાવવાના છે.દેશના ખેડૂતોને માટે એમ.એસ.પી એ સૌથી મોટો સવાલ છે. જેને લઈને અમે આંદોલન કરવા મજબુર બન્યા છે. આ આંદોલન સરકાર સામે નહીં પરંતુ ખેડૂતોની આઝાદીને માટે હોવાનું તેઓએ ઉમેર્યું હતું. ગુજરાત સહીત સમગ્ર દેશમાં જે રીતે વિવિધ કારણોસર ખેડૂતોની જમીન છીનવાઈ રહી છે. એની સામે પણ તેઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.