અરવલ્લી,ધનસુરા,તા.૨૧ 

અરવલ્લી જિલ્લામાં દેશી-વિદેશી દારૂનો વેપલો કરતા બૂટલેગરો પર જિલ્લા પોલીસતંત્રએ તવાઈ બોલાવી છે. મોડાસા રૂરલ પોલીસે વરથુ ગામેથી જીગર ઉર્ફે જીગ્નેશપુરી દશરથપુરી ગોસ્વામીના ઘર પાછળ હુસેલમાં સંતાડી રાખવામાં આવેલો ૧૨ હજાર રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવાની ઘટનાની શાહી સુકાઈ નથી. ધનસુરા પોલીસે કોલવડા ગામના બે બૂટલેગરોને કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ધનસુરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.ડી.રાઠોડ અને તેમની ટીમે કોલવડા ગામના બૂટલેગર એવા પિતા અને પુત્રને ઓલ્ટો કાર સાથે વિદેશી દારૂની હેરાફેરી કરતા ગામ નજીકથી ઝડપી પાડ્યા હતા. કોલવડા ગામનો મેહુલ નરેન્દ્ર કુમાર જયસ્વાલ વિદેશી દારૂના વેપલા માટે પંથકમાં ખૂબ પંકાયેલો છે.બૂટલેગર મેહુલે તેના પિતા નરેન્દ્ર નટવરલાલ જયસ્વાલને કારમાં વિદેશી દારૂની બોટલ નંગ-૧૨ કીં.રૂ.૯૦૦૦ ભરી આપ્યો હતો. પિતા અને પુત્ર દારૂની હેરાફેરી કરે તે પહેલા ધનસુરા પોલીસે ત્રાટકી બંને બૂટલેગર પિતા અને પુત્રને દબોચી લીધા હતા. ધનસુરા પોલીસે વિદેશી દારૂ અને કાર મળી કુલ.રૂ.૮૯૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.