ભરૂચ-

આમોદમાં ફકીરપુરા વિસ્તારમાં બાળકો રમતા હતા ત્યાં બાળકી વીજ થાંભલાને અડી જતા તે થાંભલા સાથે ચોંટી ગઈ હતી.દીકરીના પિતાએ તેને થાંભલા થી ઉખેડીને અલગ કરી હતી સમયસર સારવાર મળતા બાળકી બચી જતા માતાપિતાએ હાશકારો અનુભવ્યો હતો.

આમોદના ફકીરપુરા ખાતે રહેતા નવીનભાઈ પટેલની નવ વર્ષની દીકરી આયુશી તથા મહોલ્લાના અન્ય બાળકો રમતા હતા ત્યારે રમત રમતમાં બાળકીનો હાથ આમોદ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના થાંભલા સાથે અડી જતા બાળકી ચોંટી ગઈ હતી. જેથી તેની સાથે રમતા અન્ય બાળકો પણ ગભરાઈ ગયા હતા અને બુમાબુમ કરી મૂકી હતી.ત્યારે ઘરમાંથી નવ વર્ષની બાળકી આયુશીના પિતા તેમજ મહોલ્લાના અન્ય લોકોએ પણ તેને ઉખેડવાના પ્રયત્ન કર્યા હતા. કોઈકે ઝાડુથી તેને અલગ કરવાના પ્રયત્ન કર્યા હતા જ્યારે દીકરીના પિતાએ તેને ચપ્પલ વડે છોડાવવાના પ્રયાસ કર્યા હતા. આખરે દીકરીના પિતાને કારણે વીજ થાંભલા સાથે ચોંટી ગયેલી દીકરીનો છૂટકરો થયો હતો ત્યારે તેના મોમાંથી ફીણ પણ નીકળી ગયું હતું. દીકરીનો શ્વાસ પણ રૂંધાવા લાગ્યો હતો. ત્યારે આયુશીના પિતા નવીન પટેલ દીકરીને તાત્કાલિક આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે લાવ્યા હતા અને હાજર તબીબે તેને સારવાર આપતા બાળકીને રાહત થઈ હતી.વીજ કંપનીની ગંભીર બેદરકારીને કારણે મારી દીકરીને કરંટ લાગ્યો હતો. વીજ થાંભલા પાસે અર્થીગનો તાર પીવીસી પાઇપમાં તાર નાખવાની જગ્યાએ ખુલ્લો જ રાખવામાં આવ્યો હતો જેની કોઈ સેફટી રાખવામાં આવી નહોતી. નાયબ ઈજનેર અંકિત પટેલે વીજ હેલ્પરોને મોકલી આપ્યા. તેઓએ વાયર કાપી કરંટ બંધ કર્યો હતો.