ભરૂચ -

ભરૂચ તાલુકાના કવિઠા ગામે નવીનગરી ખાતે રહેતા નરેશ સોમાભાઇ વસાવાએ તેની પત્ની ઉપર શંકા રાખી પોતાના ૩ બાળકોને વર્ષ ૨૦૧૫માં ગામની પાસે આવેલ કેનાલ માં મગર જોવા લઈ જાઉં તેમ કહી સીમમાં અવાવરુ ખેતરમાં કૂવા પાસે લઈ જઈ ત્રણેય બાળકોને કૂવામાં ધક્કો મારી ફેંકી દીધા હતા જેમાં ત્રણ બાળકો પૈકી એક બાળકી હેમાક્ષી ઉ.વ. ૭ તથા એક બાળક અખિલ ઉ.વ. ૫ નું મોત નીપજ્યું હતું. અન્ય એક બાળક રાહુલ ઉ.વ. ૧૧ કૂવામાં રહેલ લાકડા પર પડેલ અને તે ત્યાં લટકી રહેલો હતો.

આરોપી નરેશભાઇ વસાવાએ ફરીથી તેને ત્યાંથી ધક્કો મારી મોતને ઘાટ ઉતારવાની કોશિશ કરેલી હતી પરંતુ તેમાં પણ ભોગ બનનાર રાહુલ બચી જતાં આરોપી નરેશભાઇ સોમાભાઇ વસાવાએ રાહુલ ને કુવા માથી બહાર કાઢેલ અને ત્યારબાદ બીજા બંને બાળકોની લાશને બહાર કાઢેલ હતી. સમગ્ર બનાવમાં હત્યારા પિતાએ પોતે બાળકોને મગર જોવા લઈ ગયેલ અને હેમાક્ષી તથા અખિલ કેનાલમાં પડી જવાથી મૃત્યુ પામ્યા છે તેમ બતાવવાની કોશિશ કરી હતી અને ત્યારબાદ આરોપીએ પોતાનો ગુનો છુપાવવા માટે ભોગબનનાર રાહુલને તેની માતા સાથે મળવા દીધેલ નહીં. બન્ને મૃત બાળકોના શરીર ઉપરથી કોઈ પુરાવા મળે નહીં તેથી તેઓના અગ્નિ સંસ્કાર કરી નાખેલા. ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ હેઠળ આજીવન સખ્ત કેદની સજા ફટકારાઇ હતી.