વડોદરા : શહેરના હાર્દસમા રાવપુરા, દાંડિયા બજાર, ચાર દરવાજા સહિત જૂના વડોદરા શહેરના વિસ્તારમાં બપોર બાદ એકાએક કેમિકલ ગેસની દુર્ગંધ ફેલાયાના કોલ મળતાં ફાયર બ્રિગેડ તંત્ર દોડતું થયંુ હતું અને ક્યાં લીકેજ થાય છે, દુર્ગંધ ક્યાંથી આવે છે તેની તપાસ હાથ ધરી હતી. એકાએક કેમિકલ ગેસ જેવી દુર્ગંધ ફેલાતાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જાે કે, ફાયર બ્રિગેડની ટીમે વિવિધ સ્થળોએ તપાસ કરી હતી અને દુર્ગંધ ફેલાવવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. 

શહેરની આસપાસ મોટી સંખ્યામાં કેમિકલ કંપનીઓ આવેલી છે. શહેરના પેરાફેરી વિસ્તારમાં અનેક વખત કેમિકલ, ગેસની દુર્ગંધ ફેલાયાની અનેક વખત ફરિયાદો જીપીસીબી, ફાયર બ્રિગેડને મળતી હોય છે. પરંતુ આજે બપોરના સમયે શહેરના હાર્દસમા વિસ્તાર એવા રાવપુરા, દાંડિયા બજાર, ખંડેરાવ માર્કેટ, ચાર દરવાજા વગેરે વિસ્તારોમાં કેમિકલ ગેસની તીવ્ર દુર્ગંધ ફેલાતાં લોકોએ આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરતાં ફાયર બ્રિગેડ દોડતું થયું હતું. રાવપુરા, દાંડિયા બજાર સહિત વિવિધ વિસ્તારોમાં તપાસ કરવા છતાં દુર્ગંધ ફેલાવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, જૂના વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ઓક્સિજન રીડિંગ મીટર અને અન્ય સાધનો દ્વારા પણ વિવિધ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. જ્યારે જીપીસીબીને પણ આ અંગેની જાણ કરવામાં આવી હતી. પરંતુ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. અગાઉ આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ ફેલાયાના બનાવો બન્યા છે, પરંતુ જૂના શહેરી વિસ્તારમાં દુર્ગંધને પગલે લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

ગેસ વિભાગ દ્વારા લાઈનમાં હાઈપ્રેશરથી સ્કાવરિંગ કરાયું

વડોદરાના જૂના શહેરી વિસ્તારમાં સાંજના સમયે કેમિકલ, ગેસની દુર્ગંધ ફેલાયાના સંદર્ભે જૂના શહેરી વિસ્તારમાં અનેક વખત પ્રેશરની સમસ્યા સર્જાય છે તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં નવી લાઈનો પણ નાખવામાં આવી છે. જેથી ગેસ વિભાગ દ્વારા નિયમિત નાખવામાં આવતા કેમિકલ સાથે હાઈપ્રેશરથી ગેસ પાઈપલાઈનમાં સ્કાવરિંગ કરવામાં આવતાં કેટલોક સમય આ દુર્ગંધ ફેલાઈ હોવાનું જાણવા મળે છે. 

વડોદરા ગેસ લિ.ના સૂત્રો દ્વાર મળતી માહિતી અનુસાર જૂના શહેરી વિસ્તારમાં પ્રેશરની સમસ્યા છે તેમાંય ઠંડીના સમયે પ્રેશરની સમસ્યા વધે છે, ત્યારે નંદનવનથી જેલ રોડ સુધીની મુખ્ય ગેસ લાઈન તેમજ અન્ય ડિસ્ટ્રિબ્યુશન લાઈનમાં હંમેશાં જે કેમિકલ નાખવામાં આવે છે તે નાખીને હાઈપ્રેશરથી લાઈનોનું ફલશિંગ કરીને સ્કાવરિંગ કરવામાં આવ્યું હતંુ. જેથી વિવિધ સ્થળે કામગીરી દરમિયાન કે અન્ય કોઈ કારણોસર લાઈનમાં રહી ગયેલ માટી કે અન્ય અવરોધો દૂર થાય અને પ્રેશરથી ગેસ મળી શકે. જાે કે, અઢી-ત્રણ કલાક બાદ સાંજે ગેસ લાઈન ફરી ચાર્જ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

નવું ૪૦ કિ.મી. ગેસ લાઈનનું નેટવર્ક નાખવામાં આવ્યું છે

વડોદરા. વડોદરા શહેરમાં તમામને પાઈપલાઈન દ્વારા ગેસ મળી રહે તે માટે વીજીએલ દ્વારા જે જેમ નેટવર્કની કામગીરી થાય છે તેમ તેમ નવા જાેડાણો આપવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી શહેરમાં ૪૦ કિ.મી. જેટલા નવા નેટવર્કની કામગીરી થઈ છે અને વધુ ૩૦ કિ.મી. નેટવર્કની કામગીરી ચાલી રહી છે.