અરવલ્લી,શામળાજી,તા.૩૦ 

 શામળાજી કોલોનીથી દેવનીમોરી સુધી પાંચ કિલોમીટર સુધી મોટાં મોટાં ખાડાખૈયાવાળો ડિસ્કો રોડ પર આદિવાસી જનતાની આરોગ્ય સેવાઓ માટે હોસ્પિટલ આવેલી છે. જેથી આ રોડ જરૂરી અને ઉપયોગી છે.ભિલોડા તથા મેધરજ તાલુકાના ગામડામાં જવાનો રસ્તો ત્રણ વર્ષથી ભંગાર બનેલા આ રોડ પરથી પચાસ ગામની જનતા પસાર થાય છે. આ રોડને નવેસરથી બનાવવા માટે સરકારમાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે. શામળાજી કોલોનીથી દેવની મોરી તથા મેધરજ તાલુકાના ગામમાં જવાનો આ મેઈન રોડ ત્રણ વર્ષથી કંડમ હાલતમાં છે. આ રોડ પર ઢીંચણ સુધી ખાડા પડી ગયા છે. શામળાજીથી દેવનીમોરી, નવલપુર, કુશકી,ગોડ અઢેરા હિમતપુર, વાધપુર, સરકીલીમડી, કુડોલ, ઈસરી, રેલલાવાડા, કસાણા આવા ભિલોડા તથા મેધરજ તાલુકાને જોડતો મેઈન રોડ છે.અનેકવાર આ વિસ્તારની આદિવાસી ભોળી જનતાની રજૂઆતો કરવા છતાં બહેરા કાને કોઈ સંભાળવા તૈયાર નથી. આ વિસ્તારના કેટલાક આગેવાનો અને સરપંચોએ મૌખિક જાણ અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી છે તે છતાં આ રોડ બનાવતા નથી. જેથી આ વિસ્તારની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ચોમાસામાં આ રોડ પર ઢીંચણ સુધી પાણી ભરાઈ જતાં બાઈકચાલકો ખાડામાં પડતાં કેટલાકે જાન પણ ગુમાવ્યા છે તેમ છતાં નગરોળ તંત્રની આંખ ઉઘડતી નથી. શામળાજીના સરપંચ સંગીતાબેન કટારાએ જણાવ્યું હતું કે શામળાજી કોલોની વિસ્તારમાં કોલેજ હાઈસ્કૂલ, પ્રાથમિક શાળા, આઇટી આઇ તથા રહેણાંક વિસ્તાર આવેલ છે. દેવની મોરીના સરપંચ જયંતિભાઈ પારગીએ જણાવ્યું હતું કે અમારાં ગામથી શામળાજી આવવામાં દસ મિનિટ થાય પરંતુ અત્યારે આ રોડ પરથી પસાર થતા અડધાં કલાક થાય છે. જો આ રસ્તો નહીં બને તો અમો આ વિસ્તારની જનતા ન છુટકે આંદોલન કરવાનું નક્કી કર્યુ છે.