રાજકોટ- 

સૌરાષ્ટ્રમાં છેલ્લા પંદર દિવસથી વરસાદી વાતાવરણ છે. ચોમાસાની સિઝનનાં બે મહિનામાં જ મેઘરાજાએ તોફાની ઈનિંગ રમીને સિઝનનાં સરેરાશ વરસાદ કરતા વધુ પાણી વરસાવી દીધુ છે. સૌરાષ્ટ્રનાં ૧૧ જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો ૧૩૪ ટકા વરસાદ પડી ગયો છે. એક માત્ર ભાવનગરને બાદ કરતા તમામ જિલ્લામાં ૧૦૦ ટકા કરતા અનેક ગણો વરસાદ પડી ગયો છે. સૌરાષ્ટ્રવાસીઓ હવે મેઘરાજાને ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહયા છે. હવે વરસાદ ચાલુ રહે તો અનેક પંથકમાં લીલા દુષ્કાળની ભીતિ ઉભી થઈ છે.

જન્માષ્ટમી પહેલાથી સૌરાષ્ટ્રમાં મેધાવી માહોલ છે પંદર દિવસથી હળવા ભારે વરસાદ બાદ છેલ્લા બે દિવસથી તો મેઘરાજા સૌરાષ્ટ્રને ધમરોળી રહયા છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો ૧ર૯ ટકા વરસાદ પડી ગયો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ દેવભૂમી દ્રારકા જિલ્લામાં ર૬૬ ટકા પાણી પડી ગયુ છે. ખંભાળીયા – ભાણવડ સહિતનાં ગામડાઓમાં પાકને ભારે નુકશાનની ભીતિ છે. અન્ય જિલ્લાનાં સરેરાશ આંકડા પર નજર કરીએ તો મોરબી – ૧પ૩ ટકા, જામનગર – ૧૬પ ટકા, પોરબંદર – ૧૮૯ ટકા, જૂનાગઢ – ૧૩૩ ટકા , અમરેલી – ૧ર૮ ટકા, ગીર સોમનાથ ૧ર૩ ટકા , બોટાદમાં ૧રર ટકા વરસાદ પડયો છે જયારે સૌરાષ્ટ્રમાં એક માત્ર ભાવનગર જિ.માં સિઝનનો કુલ વરસાદ ૮૬ ટકા પડયો છે.

છેલ્લા પંદર – વીસ દિવસથી વરસાદી વાતાવરણથી સૌરાષ્ટ્રમાં પાકને નુકશાન થઈ રહયુ છે. સૂર્યપ્રકાશ ન મળતા અને ખેતરોમાં પાણી ભરાતા ચોમાસુ પાકને નુકશાન થઈ રહયુ છે. ખેડૂતોનાં જણાંવ્યા મુજબ તલ, કઠોળનાં પાકનાં નાના છોડ હોવાથી તેને સૌથી નુકશાન થયુ છે જયારે ચોમાસુ ડુંગળીમાં સતત વરસાદથી ફૂગનો રોગ દેખાયો છે. સૌરાષ્ટ્રમાં કપાસ અને મગફળીનાં મુખ્ય પાકોનું સૌથી વધુ વાવેતર થયુ છે. અંદાજે ર૦ લાખ હેકટરમાં મગફળી અને ર૩ લાખ હેકટરમાં કપાસનું વાવેતર થયુ છે. મગફળીમાં લાંબો સમય વરસાદ પડતો રહયો હોવાથી નુકશાન થયુ છે જયારે કપાસમાં ફલાવરીંગ સમયે જ તોફાની વરસાદથી ફાલ ખરી જતા નુકશાન થયુ છે.