વડગામ : વડગામ તાલુકાના નિઝામપુરા ગૃપ ગ્રામપંચાયતમાં આવતા તાજપુરા ગામમાં છેલ્લા ૨૦ દિવસથી ગટર ઉભરાઇ રહ હોવા છતાં પંચાયતના સરપંચ, તલાટીને ગ્રામજનોની તકલીફ નજરે આવતી નથી.લોકો દ્વારા સરપંચને રજૂઆત કરવા છતાં નજર અંદાજ કરતા હોવાના આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.વડગામ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ગ્રામપંચાયતમાં બેઠેલા સરપંચો અને તલાટીઓની બેદરકારીઓનો ભોગ સ્થાનિક લોકો બની રહયા છે.જેનું ઉતમ ઉદાહરણ તાજપુરા ગામમાં જાેવા મળી રહ્યું છે.તાજપુરા ગામમાં રોહિત સમાજના મહોલ્લામાં છેલ્લા ૨૦ દિવસથી ગટર ચોકઅપ થઇ જતાં ચેમ્બર ઉભરાઈને ગટરનું ગંદુ પાણી મહોલ્લામાં ખુલ્લા રોડ ઉપર રેલાઇ રહ્યું છે.આ બાબતે પંચાયતના સત્તાધીશોનું ધ્યાન દોરતા સરપંચ દ્વારા રીપેર કરવા માટે ગટર ખુલ્લી કરવામાં આવી હતી જેને અંદાજીત ૨૦ દિવસ જેટલો સમય થવા છતાં ગટરને રીપેરીંગ કરવામાં આવતી નથી. જેના કારણે ગટરનુ પાણી રોડ ઉપર રેલાઇ રહ્યું છે.રોહિતવાસના લોકોને ભર શિયાળામાં પણ ચોમાસાનો અહેસાસ થઇ રહ્યો છે. જેના કારણે અત્યારે કોરોનાની મહામારીના સમયે તાજપુરામાં ડેન્ગ્યુ મેલેરીયા સ્વાઇન ફ્લૂ જેવા જીવલેણ રોગો ઉદભવે તેવો ભય સ્થાનિક રહીશો ને સતાવી રહ્યો છે. સ્થાનિક પંચાયતના સત્તાધીશોની લાલીયાવાડીના કારણે લોકોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. સ્થાનિક આરોગ્ય તંત્ર પણ પંચાયત સામે લાચાર હોય તેવું આમજનતાને લાગી રહ્યું છે‌‌. લોકોના આરોગ્ય સામે ખતરો તોળાઇ રહ્યો હોવા છતાં આરોગ્ય તંત્ર કુંભ કર્ણની નિદ્રામાં પોઢી રહ્યું છે. પંચાયત સામે ગામમાં સ્વચ્છતા બાબતે તાલુકાનું આરોગ્ય તંત્ર આળસ ખંખેરીને પંચાયતના સત્તાધીશો સામે પગલાં ભરે તેવી માંગ જાગૃત લોકોમાં થઇ રહી છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પણ નિઝામપુરા પંચાયતના સત્તાધીશોની શાન ઠેકાણે લવાય તેવી ચર્ચાઓ ગામલોકોમાં થઇ રહી છે .