રાજકોટ-

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.હસમુખ એમ.ચાવડાએ ગામડામાં કોરોના કંઇ રીતે ઘૂસ્યો તે અંગે સ્ટડી રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં જાણવા મળ્યું છે કે, ગ્રામ્ય પ્રજા સામાજિક એકલતાથી જીવી શકે એમ નથી માટે તેઓ પોતે સમાજમાં અછૂત ન બની જાય માટે કોરોના ટેસ્ટિંગ અને સારવાર લેવાનું ટાળે છે. જેનું ભયાનક પરિણામ આપણે જાેઈ રહ્યાં છીએ. હમણાં હમણાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વકરતા વધુ ભયાનક પરિણામોનો સામનો આપણે કરવો પડે છે. ગ્રામ્ય વિસ્તારમાં મેડિકલ સુવિધાઓનો અભાવ પણ આવા પરિણામ માટે જવાબદાર છે તેવું કહી શકાય. જેના કારણે મૃત્યુદરમાં પણ વધારો જાેવા મળ્યો છે.

સામાજિક લાંછનનો અંગ્રેજી અર્થ થાય છે સોશિયલ સ્ટીગ્મા સામાજિક લાંછન દ્વારા વ્યક્તિનાં વ્યક્તિત્વ પર એક એવું સામાજિક કલંક લગાડવામાં આવે છે કે તેનાથી અન્ય લોકો દૂર રહે અથવા તો તેની સાથેનો સબંધ તોડી નાખે. સામાજિક લાંછન એ એક નકારાત્મક વલણના સ્વરૂપમાં લોકોના કોઈ જૂથ, સ્થળ કે રાષ્ટ્ર સામે એક પ્રકારનો ભેદભાવ છે. જેમ કે કોવીડ-૧૯ રોગચાળો એ લોકો અને સમુદાયો માટે તણાવપૂર્ણ પરિસ્થિતિ છે. રોગ વિશે જ્ઞાનના અભાવને કારણે ભય અને અસ્વસ્થતા સામાજિક લાંછન તરફ દોરી જાય છે. સમાજ અમારો તિરસ્કાર કરશે તો? એ ભય ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ જાેવા મળે છે. શહેરોમાં કોવિડ-૧૯ વિશે થોડી જાગૃકતા હોવાને કારણે તેઓ સમયસર પોતાનું ચેકઅપ કરાવે છે અને સારવાર થકી પોતે સ્વસ્થ થતા જાય છે. પરંતુ ગ્રામ્ય સ્તરે કોવિડ-૧૯ પ્રત્યેની શહેરની તુલનામાં જાગૃકતા ઓછી હોવાને કારણે લોકો આ બિમારીને છૂપાવી રહ્યાં છે. તેઓ પોતે ભય અનુભવી રહ્યાં છે કે આ બિમારી વિશે કોઇને જાણ થશે તો પોતાની સાથેના વ્યવહારો લોકો તોડી નાખશે તો? અમને કોઇ મદદ નહીં પહોચાડે તો? અમને બહાર નીકળવા પર પ્રતિબંધ મુકવામાં આવશે તો? અમારા ઘરને સીલ કરવામા આવશે તો? પોતે હોસ્પિટલ જાશે અને અન્ય લોકોને કોવિડ પોઝિટિવ છે તેવી જાણ થશે તો? જેવા અનેક પ્રશ્નોના કારણે લોકો પોતે કોવિડ પોઝિટિવ છે તેવું સ્વીકારતા ખચકાટ અનુભવે છે. જેના કારણે લોકો પોતાનો સમયસર ઇલાજ કરાવતા નથી અને બિમારી જ્યારે પોતાનું વિકરાળ સ્વરૂપ દેખાડે ત્યારે તેઓ હોસ્પિટલ પહોંચે છે કે જ્યારે તેમનું બચવું મુશ્કેલ હોય છે. કોવિડ-૧૯ પ્રત્યેની આવી બેદરકારી મૃત્યુદરમાં વધારો કરે છે.