સુરત, તા.૩૧ 

સુરતમાં કોવિડની ગાઈડ લાઈનનો અમલ કરાવવામાં સુરત મ્યુનિ. અને પોલીસ વિસ્તાર અને લોકો જોઈને કામગીરી કરી રહી છે. જ્યાં એકલ દોકલ દુકાનદાર હોય અને વિરોધ ન થાય ત્યાં વાઘ બનીને આકરો દંડ વસુલે છે. પરંતુ જ્યાં ટોળા વળીને લોકો બધા જ નિયમનો ભંગ કરતાં હોય ત્યાં વિરોધ થવાની બીકે મ્યુનિ. અને પોલીસ તંત્ર દંડ કરતી નથી. માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના ભંગનો દંડ કરાવવામાં મ્યુનિ. અને પોલીસની આવી બેવડી નીતિથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

કતારગામ ઝોને દુકાનમાં એકલો દુકાનદાર હતો અને માસ્ક પહેર્યું ન હતું તેને બસ્સો રૃપિયાનો દંડ કર્યો તે વિડિયો સોશ્યલ મિડિયમાં જોરશોરમાં ચાલી રહ્યો છે. મ્યુનિ. તંત્ર અને પોલીસ સુરતમાં જ્યાં વિરોધ થતો ન હોય અને દુકાનદાર એકલા હોય તેની પાસે વાઘ બનીને દંડની વસુલાત કરે છે. આવા દુકાનદારોને નિયમ શિખવીને દાદાગીરી કરી રહ્યાં છે. સુરતના અનેક વિસ્તાર એવા છે જ્યાં કોરોનની મહામારી હોવા છતાં કેટલાક તત્વો અડીંગો જમાવીને કલાકો સુધી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ વિના બેસી રહે છે તેની સામે પોલીસ કે પાલિકા કાર્યવારી કરતાં ડરી રહી છે.લો લેવલ બ્રિજના છેડે આવેલા ચાના સ્ટોલ, સરદાર બ્રિજના મહાવીર હોસ્પીટલના છેડે એપાર્ટમેન્ટમાં ચાલતી ચાની કીટલી અને જુની સબ જેલની સામે તથા ગલીમાં લોકો બાઈક પર માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ વિના કલાકો સુધી બેસી ટોળા ટપ્પા કરી રહ્યા છે. આ ઉપરાંત ભેસ્તાન ચાર રસ્તા વિસ્તારમાં વોડૅ ઓફિસની બાજુમાં ફ્રુટ તેમજ સબ્જી વેચનારાઓ સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરે છે.