આણંદ, નડિયાદ : આસોવદ અગીયારસના દિવસથી પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણીનો પ્રારંભ થઈ ગયો છે. ખેડા - આણંદ આમ પણ પવિત્ર ધાર્મિક સ્થળોનું મુખ્ય મથક ગણાઈ છે. વડતાલધામથી લઈને ડાકોર સ્થિત રણછોડરાયજી મંદિર, નડિયાદમાં સંતરામ મંદિરથી છેક બોચાસણમાં સ્વામિનારાયણ મંદિર સુધી ઘણાં ધર્મ સ્થાનકો અહીં આવેલાં છે. દિવાળીના સપરમા પર્વમાં વિવિધ મંદિરોમાં મહાઆરતીથી લઈને અન્નકૂટ ભગવાનને ધરાવવામાં આવે છે. આ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે પણ વિવિધ ધાર્મિક પૂજાએ સરકારની ગાઇડલાઇન્સને અનુસરીને કરાશે. ચરોતરના મંદિરોમાં રોશનીનો ઝગમગાટ દેખાઈ રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે, આ મહામારીના સમયમાં આપણે હવે ઊંડા અંધારેથી પરમ તેજ તરફ જઈ રહ્યાં છીએ. પરમાત્માના ધામમાં રોશનીના ઝગમગાટથી ભક્તોમાં પણ હવે પોઝિટિવિટી દેખાઈ રહી છે. શ્રદ્ધાળુંઓએ બસ એટલંુ જ ધ્યાન રાખીને પર્વને મનાવવાની જરૂર છે કે, સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ, માસ્ક અવશ્ય પહેરવામાં આવે અને સમયે સમયે સેનિટાઇજરથી હાથને સ્વચ્છ કરવા અથવા તો સાબુથી ધોઈ નાખવા જાેઈએ. પર્વને ધીરજ અને શાંતિથી ઉજવીએ.