ગોધરા, પંચમહાલ જિલ્લાના ગોધરાના નાદરખા ગામ નજીક આવેલી કુશા કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી છે, જેને પગલે કંપનીમાં દોડધામ મચી ગઇ છે. આગ લાગવાના ૪ કલાક બાદ પણ આગ હજી કાબૂમાં આવી નથી. આગના ધુમાડા ૨૦ કિ.મી. દૂર ઘોઘંબા સુધી દેખાઇ રહ્યા છે. સાવચેતીના પગલારૂપે આસપાસના ૨ કિ.મી.ના વિસ્તારના ૩ હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ગોધરા પાસે આવેલી કુશા કેમિકલમાં આજે સવારે ૧૧.૩૦ વાગે એક પ્લાન્ટમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. 

કંપનીના કામદારો દોડીને બહાર આવી જતા તમામનો બચાવ થયો હતો. પ્લાન્ટની ટાંકીમાં રહેલા કેમિકલમાં આગ લાગતા ધૂમાડાના ગોટેગોટા દેખાતા ફેક્ટરીની આસપાસ રહેતા ગ્રામજનો સલામત સ્થળે ભાગ્યા હતા. આગના ધૂમાડા ૨૦ કિમી દૂર સુધી દેખાયા હતા. ૩થી ૪ ટન કેમિકલની ટાંકીમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. હાલોલ, કાલોલ, શહેરા, ગોધરા અને વડોદરા ફાયરબ્રિગેડની ૧૫થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે.

જાેકે આગ પર કાબૂ ન આવતાં ફર્મ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. ઘટનાની જાણ થતાં જ પંચમહાલ જિલ્લા કલેક્ટર અને એસપી કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. આગની ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી અને આગ લાગવાનું કારણ પણ હજી સુધી બહાર આવ્યું નથી. આસપાસના ૪ જેટલા પેટ્રોલ પંપની સાવચેતીના ભાગરૂપે બંધ કરાવવામાં આવ્યા હતા અને હાઇવે પર ફેક્ટરી હોવાથી પોલીસે એક સાઈડનો ટ્રાફિક બંધ કરાવ્યો હતો.