વડોદરા : કોરોનાની બીજી લહેરમાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો થતાં જ સરકાર દ્વારા લગાવેલા પ્રતિબંધોમાં છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે છેલ્લા પ૦ દિવસ બાદ વડીઅદાલતની ગાઈડલાઈન હેઠળ આજથી ફિઝિકલ કોર્ટ કાર્યરત થવા પામી છે.

કોરોનાની મહામારીના સંક્રમણને અટકાવવા માટે છેલ્લા બે માસથી અદાલતની તમામ કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. કોરોનાની બીજી લહેર ઘાતક બનતાં વડીઅદાલત દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. દરમિયાનમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થતાં જ સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોમાં છૂટછાટ આપવામાં આવી હતી. જેને લઈને આજથી સરકારી અને ખાનગી કચેરીઓ પણ રાબેતા મુજબ શરૂ થઈ છે. બીજી તરફ કોરોનાનો ખતરો હવે ટળતાં વડીઅદાલતની ગાઈડલાઈન હેઠળ આજથી શહેરના દિવાળીપુરા ખાતે ફિઝિકલ કોર્ટની અદાલતી કાર્યવાહી શરૂ થઈ હતી. જેમાં બરોડા બાર એસોસિયેશનના પ્રમુખ, સેક્રેટરી સહિતના સિનિયર ધારાશાસ્ત્રીઓ કોર્ટ સંકુલમાં એકત્રિત થયા હતા અને કોર્ટ સંકુલમાં આવનારા અસીલો અને ધારાશાસ્ત્રીઓને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવાની સાથે સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનની ટકોર કરતાં જાેવા મળ્યા હતા. આજથી રાબેતા મુજબ કોર્ટ કાર્યરત થતાં વકીલો અને અસીલોમાં આનંદની લાગણી છવાઈ હતી.