વડોદરા : શહેરની એમ.એસ.યુનિ.માં શહીદોને પ્રથમ શ્રદ્ધાંજલિ આપવાના મુદ્દે વિદ્યાર્થી સંગઠનોના કાર્યકરો વચ્ચે છૂટાહાથની મારામારી થઈ હતી. વિદ્યાર્થી સંગઠનોના કાર્યકરો વચ્ચે થયેલી મારામારીના પગલે યુનિવર્સિટી કેમ્પસમાં અફરાતફરી મચી ગઇ હતી. જાે કે મામલો ઉગ્ર બને તે પહેલાં વિજિલન્સ વિભાગ દ્વારા કાર્યકરોને છૂટા પાડી મામલો થાળે પાડ્યો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર આજે શહીદદિન હોવાના કારણે યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનો દ્વારા શહીદ ભગતસિંહ, સુખદેવ સિંહ અને રાજગુરુને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને એજી યુએસ દ્વારા યુનિટ બિલ્ડિંગ ખાતે રાખવામાં આવ્યો હતો. બંને વિદ્યાર્થી સંગઠન દ્વારા શહીદોને પ્રતિમાઓને પ્રથમ પુષ્પાંજલિ અર્પણ કરવાના મુદ્દે મામલો બિચક્યો હતો, જેમાં બંને સંગઠનના વિદ્યાર્થીઓ આમને-સામને આવી ગયા હતા અને મારામારી પર ઉતરી ગયા હતા. શહીદોની પ્રતિમા પાસે જ વિદ્યાર્થી સંગઠન દ્વારા મારામારી થતાં ભાગદોડ મચી ગઇ હતી.

વિદ્યાર્થી સંગઠનો વચ્ચે મામલો ઉગ્ર બને તે પહેલા જ વિજિલન્સના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓને છૂટા પાડી મામલો થાળે પાડ્યો હતો. આ સાથે આ બનાવની જાણ સયાજીગંજ પોલીસને થતાં પોલીસકાફલો પણ દોડી ગયો હતો અને પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો. વિદ્યાર્થી સંગઠનોએ પોતે પ્રથમ શહીદોનની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે આવ્યા હોવાનો દાવો કર્યો હતો. એબીવીપીના વિદ્યાર્થીઓ કેસરી ઝંડા સાથે પુષ્પાંજલિ આપવા આવી પહોંચ્યા હતા. શહીદદિને પ્રથમ શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવાની હોડમાં વિદ્યાર્થી સંગઠનોએ કરેલા અશોભનીય વર્તન કરતાં કેમ્પસમાં ચકચાર મચી ગઇ હતી અને ઉત્તેજના ફેલાઈ ગઈ હતી.