સુરત-

સુમુલ ડેરીમાં પાઠક જુથ અને સહકાર જુથ વચ્ચે જાેવા મળી રહેલી વર્ચસ્વની લડાઇમાં હાઇકમાન્ડ અને સહકારી આગેવાનોનાં અનેક પ્રયાસો પછી પણ કોઇ યોગ્ય સમાધાન નહીં આવતા, બંને જુથો વચ્ચે હવે ચૂંટણી જંગ ખેલાશે. આજે મંગળવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે માત્ર ઉમરપાડા બેઠક ઉપરથી મંત્રી ગણપત વસાવાના ભત્રીજા રિતેશના હરીફ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા, તેઓ બીનહરીફ ચૂંટાઇ આવ્યા હતા. જયારે અગાઉ પલસાણા બેઠક ઉપરથી જીલ્લા ભાજપના મહામંત્રી ભરતસિંહ સોલંકી બીન હરીફ બન્યા હતા. જેથી હવે સુમુલની નિયામકોની ચૂંટણીમાં ૧૬ બેઠકો પૈકી ૧૪ બેઠકો ઉપર ૩૧ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં મહત્તમ ઉમેદવારો ભાજપના અગ્રણીઓ, અને વિવિધ હોદ્દો ભોગવી રહ્યા હોય, ચૂંટણી ભાજપ વિરૂદ્ધ ભાજપ બનીને રહી ગઇ છે.

આ ઉપરાંત માંડવી, મહુવા, અને ડોલવણ બેઠક ઉપર ત્રણ-ત્રણ ઉમેદવારો હોય, આગામી સાત ઓગષ્ટના રોજ મતદાન થનાર છે. અઢી લાખ સભાસદો અને સાડા ચાર હજાર કરોડના વહીવટ ઉપર કબ્જાે મેળવવા માટે ભાજપના બે જૂથો વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી જાેવા મળી રહેલી ખેંચતાણમાં ભાજપનું હાઇકમાન્ડ પણ સમાધાન કરાવવામાં નિષ્ફળ પુરવાર થયું છે. સુમુલના ૧૬ નિયામકો માટેની જાહેર થયેલી ચૂંટણીમાં અગાઉ પલસાણા બેઠક ઉપર માત્ર જીલ્લા ભાજપના ખજાનચી ભરતસિંહ સોલંકી સિવાય એકપણ ઉમેદવાર નોંધાયા ન હોવાથી બેઠક બીનહરીફ રહી હતી. જયારે આજે મંગળવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ઉમરપાડા બેઠકના ઉમેદવાર અને કેબીનેટ મંત્રી ગણપત વસાવાના ભત્રીજા રિતેશ સામે ઉમેદવારી કરનાર વંસત વસાવા, અને રાજેન્દ્ર વસાવાએ ફોર્મ પરત ખેંચી લેતા રિતેશ વસાવા બિન હરીફ થઇ ગયા છે.

આ સાથે જ મંત્રી ગણપત વસાવા હાલ પોતાનું ધાર્યુ કરાવવાની દીશામાં આગળ વધી રહ્યા હોવાની ચર્ચાએ પણ જાેર પકડ્યુ છે. આ ઉપરાંત આજે કુલ ૮ જેટલા અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા. જેને પગલે હવે જે કુલ ૧૬ બેઠકો ઉપર ૩૩ ઉમેદવારો છે. જે પૈકી બે બેઠક બિન હરીફ થઇ ગઇ હોવાથી, ૧૪ બેઠકો ઉપરથી ૩૧ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. જેમાં ૧૧ બેઠકો એવી છે કે, જેમાં સહકાર વિરૂધ્ધ પાઠક જૂથની સીધી રસાકસી જાેવા મળશે.