દાહોદ, એક દોઢ માસ અગાઉ દાહોદના ડબગર સમાજના એક યુવાનની નાણાંની લેતીદેતીના મામલે હત્યા કરાતા અને તેની લાશ અમદાવાદ ઈન્દોર નેશનલ હાઈવે પરથી મળી આવતા હત્યાના સદર ગુનામાં પોલીસે ગણતરીના દિવસોમાં કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ બાળ કિશોરની ધરપકડ કરી લીધી હતી. તે ઘટનાના ગત રાતે પુનઃ પડઘા પડ્યા હતા અને ડબગરવાડમાં મૃતક યુવાનના પરિવારજનો અને આરોપીના પરિવારજનો સામસામે આવી જતા ઉગ્ર વાકયુદ્ધ બાદ વાત મારામારી સુધી પહોંચી જતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમજાવટથી મામલો થાળે પાડી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સાવચેતીના પગલારૂપે ડબગરવાડમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. એક દોઢ માસ પહેલા ઉછીના લીધેલા પૈસા પરત આપવા ના પડે એ માટે ઉછીના પૈસા આપનાર દાહોદ ડબગર સમાજના યુવાનને ઉછીના પૈસા લેનાર તેના ત્રણેય સગીર મિત્રોએ પૈસા લેવા બોલાવી એકાંતમાં લઈ જઈ તેના માથાના ભાગે બોથડ પદાર્થ મારી તેની ર્નિમમ હત્યા કરવામાં આવી હતી. તેની લાશ અમદાવાદ ઇન્દોર હાઇવે પર થી મળી આવી હતી આ સંબંધે દાહોદ તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી ગણતરીના દિવસોમા ડબગર સમાજના મૃતક યુવાનની હત્યા કરનારા કાયદાના સંઘર્ષમાં આવેલા ૩ બાળ કિશોરોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હત્યાના ત્રણેય બાળ કિશોરોને જેલના સળિયા પાછળ મોકલી આપ્યા હતા અને હવે આ મામલો કોર્ટમાં ગયો છે. તેવા સમયે ગત રોજ ડબગરવાડ વિસ્તારમાં મૃતક યુવાનના પરિવારજનો તથા આરોપીના પરિવારજનો સામ સામે આવતા તું તું મેં મેં ના દ્રશ્યો સર્જાયા હતા અને ત્યારબાદ વાત મારામારી સુધી પહોંચી જતા મામલો બિચક્યો હતો. જેથી ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો