દિલ્હી-

ગયા વર્ષે લાગેલા લૉકડાઉને સામાન્ય જનતાની આર્થિક સ્થિતિને ખરાબ રીતે પ્રભાવિત કરી. લોકોને આશા હતી કે મોદી સરકાર મોંઘવારી પર લગામ લગાવશે પરંતુ આનાથી ઉલટુ થઈ રહ્યુ છે. કોરોનાથી પરેશાન જનતા પર મોંઘવારીની માર પડી રહી છે જ્યાં પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવોમાં છેલ્લા ઘણા સમયથી આગ લાગેલી છે. જેના માટે હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર હુમલો કર્યો છે.

રાહુલ ગાંધીએ ટિ્‌વટર પર એક સમાચારના સ્ક્રીનશૉટ શેર કર્યા છે જેમાં એ વાતનો ઉલ્લેખ છે કે છેલ્લા ૮ દિવસોથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટી રહ્યા છે પરંતુ ભારતમાં ભાવ ઘટ્યા નથી પરંતુ તે સ્થિર છે. આ સમાચાર સાથે જ રાહુલ ગાંધીએ લખ્યુ કે કેન્દ્ર સરકારની ટેક્સ વસૂલીના કારણે ગાડીમાં પેટ્રોલ ભરાવવુ કોઈ પરીક્ષાથી કમ નથી પરંતુ પીએમ આના પર ચર્ચા કેમ નથી કરતા? ખર્ચા પર પણ કરો ચર્ચા.

સોમવારે જાહેર કરેલ એક રિપોર્ટ મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત ૭૧ ડૉલર પ્રતિ બેરલની ઉંચાઈથી ઘટીને ૬૩ ડૉલર પ્રતિ બેરલ પર આવી ગઈ છે. આ ઘટાડા પાછળ ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલની નબળાઈ છે. ભારતમાં ફેબ્રુઆરીમાં પેટ્રોલ-ડીઝલના ભાવો ૧૬ વાર વધ્યા હતા ત્યારે સરકારે કહ્યુ હતુ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધવાથી આવુ થઈ રહ્યુ છે પરંતુ હવે ભાવ નહિ ઘટવાથી સવાલો ઉઠી રહ્યા છે. વળી, કેન્દ્રીય પેટ્રોલિમય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના જણાવ્યા મુજબ આવનારા દિવસોમાં જનતાને ક્રૂડ ઓઈલની કિંમતોમાં રાહત જરૂર મળશે.