વડોદરા : સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતિ હોટલમાં રૂમ ભાડે રાખીને રહેતા ફિલ્મ પ્રોડ્યુસરે પોતાની જ આસિસટન્ટ પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. દુષ્કર્મ આચર્યા બાદ યુવતીને આ અંગે કોઈને નહિ કહેવાનું જણાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસે ફિલ્મ પ્રોડ્યુસર સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

 મૂળ સાવલી ખાતે રહેતો દિપ પટેલ પોતે નાની-મોટી ફિલ્મો પ્રોડ્યુસ કરવાનો વ્યવસાય કરે છે. એક મહિના અગાઉ દિપ પટેલે રૂ. ૧૩ હજારના પગાર પર આસિસટન્ટ તરીકે એક યુવતીને નોકરી પર રાખી હતી. મહિના સુધી આ યુવતી પાસે કામ કરાવ્યાં બાદ દિપ પટેલે તેણીને પગાર આપવાના બહાને ગત ૨જી નવેમ્બરની રાત્રે સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતિ હોટલમાં રાત્રીના સમયે બોલાવી હતી. જ્યાં દિપ પોતે રૂમ રાખીને ભાડે રહેતો હતો. દીપ પટેલ રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ હોટલમાં બોલાવી રૂમમાં લઇ ગયો હતો. જ્યાં તેણે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી યુવતી સાથે જબરદસ્તી કરી દુષકર્મ આચર્યું હતુ. આખી રાત રૂમમાં ગોંધી રાખી દુષ્કર્મ આચર્યા બાદ યુવતી હેમખેમ વહેલી સવારે રૂમનો દરવાજો ખોલી જીવ બચાવી નીકળી ગઇ હતી. જો કે, ફિલ્મ પ્રોડ્યુસર દિપ પટેલે કરેલા કૃત્યો છુપાવવા માટે તેણે યુવતીને ધમકી આપી હતી કે, આ બાબતની કોઇને જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશ. દિપની હવસનો ભોગ બનેલી યુવતીએ આખરે સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી તેની સાથે બનેલી સમગ્ર ઘટના પોલીસને વર્ણવી હતી. યુવતીની કેફિયતના સયાજીગંજ પોલીસે બળાત્કારી ફિલ્મ પ્રોડ્યુસર સામે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

છેલ્લા એક મહિનામાં અદિતિ હોટલમાં બનેલા બળાત્કારના બે કિસ્સા સામે આવ્યા

તાજેતરમાં જ નોકરીવાંચ્છુક યુવતીને સયાજીગંજની ડેરીડેન સર્કલ પાસેની અદિતિ હોટલમાં ઇન્ટરવ્યૂ માટે તબક્કાવાર બોલાવીને બોસ દ્વારા યુવતી પર બળાત્કાર ગુજારીને ગર્ભવતી બનાવી દીધી હોવાની ફરિયાદ સયાજીગંજ પોલીસમથકે નોંધાઈ હતી. એ વાતને એક મહિનો પણ નથી થયો ત્યાં જ આજે અદિતિ હોટલમાં જ બનેલી બળાત્કારની વધુ એક ઘટના સામે આવી છે. ભૂતકાળમાં પણ આ જ હોટલમાં આ પ્રકારના સંખ્યાબંધ કેસો નોંધાયા હોવા છતાં આજદિન સુધી પોલીસ કે પછી હોટલના સંચાલકો દ્વારા આવા કિસ્સાઓને રોકવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.