અમદાવાદ-

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અગ્રણી સ્વ. કેશુભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. ગાંધીનગર ખાતેેના સેકટર ૩૦ ના સ્મશાન ગૃહ ખાતે રાજકીય સન્માન સાથે અંતિમ સંસકાર કરવામાં આવ્યા હતા. જોકે આ દુ:ખદ ઘટના સમયે રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 

મુખ્યમંત્રીએ સ્વ. કેશુભાઈ પટેલને ગુજરાતમાં જનસંઘથી લઇને ભાજપા સુધી વટવૃક્ષ ઊભું કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન કરનારા સમર્પિત નેતૃત્વ કર્તા ગણાવ્યા હતા. સ્વ. કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. એટલું જ નહિ, ખેડૂતપુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોક સેવા કાર્યોથી ભાજપાને અપ્રતિમ લોકચાહના અપાવી છે, એમ મુખ્યમંત્રીએ સદગત સ્વ. કેશુભાઈના પ્રદાનની સરાહના કરતા જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે સ્વ. કેશુભાઈના અવસાનથી આપણને સૌને ન પૂરાય તેવી મોટી ખોટ પડી છે અને આ ખોટ આપણને સદાય સાલશે. વિજય રૂપાણીએ સદગત કેશુભાઈના આત્માની પરમ શાંતિની પ્રાર્થના પણ સૌ વતી કરી છે