અમદાવાદ-

ગુજરાત પાન મસાલા શોપ ઓનર્સ એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજ્યમાં આવતીકાલથી પાન મસાલાની તમામ દુકાનો પર આવતા ગ્રાહકોને પાન મસાલા પાર્સલ જ આપવામાં આવશે. રાજ્યમાં કોઈ પણ દુકાન પર ગ્રાહક મસાલો ખાઇને થૂંકે નહીં અને રાજ્યમાં કોરોનાના સંક્રમણ વધે નહીં અને દંડની રકમમાં થયેલા વધારાને ધ્યાનમાં લઈને પાન મસાલા શોપ ઓનર્સ એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાનની દુકાન પર જો કોઈ વ્યક્તિ થૂંકતા પકડાય તો દુકાનદારને 10,000 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અમદાવાદ મહાનગરપાલિકાના નિર્ણયને લઈને દુકાનદારો પોતાની રીતે જ દુકાનો બંધ રાખી રહ્યા હતા. દુકાનદારોને રાહત મળે અને કોઈ વ્યક્તિ દુકાન પર થૂંકે નહીં, દુકાનદારને દંડ ન થાય અને કોરોનાનું સંક્રમણ અટકાવી શકાય તે માટે દુકાન પર પાન મસાલાના પાર્સલ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.