વડોદરા-

વડોદરા નોડલ ઓફિસર ડો શીતલ મિસ્ત્રીએ એક નિવેદનમાં રેપિડ ટેસ્ટનો ભરોસો રાખ્યા વિના તરત RTPCR ટેસ્ટ કરાવી લેવા નાગરિકોને સલાહ આપી છે. રેપિડ ટેસ્ટમાં નેગેટિવ આવેલા 15 થી 65 ટકા દર્દીઓ RTPCR ટેસ્ટમાં પોઝિટિવ આવે છે. આવામાં દર્દીની લાપરવાહી ફેફસાને મોટું નુકસાન પહોંચાડી શકે છે. રેપિડ ટેસ્ટ નેગેટિવ આવેલા વ્યક્તિ અસંખ્ય લોકોને કોરોના સંક્રમિત કરી શકે છે. તેથી શરદી ખાંસી તાવ જેવા લક્ષણો હોય તો તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર લેવા સલાહ છે.

અન્ય શહેરોની જેમ વડોદરામાં પણ કોરોનાના પોઝિટિવ કેસોનો આંકડો વધી રહ્યો છે. રોજના અંદાજે 400 રેપિડ એન્ટિજન ટેસ્ટ થઈ રહ્યા છે. પરંતુ રેપિડ ટેસ્ટ અંગે અનેક મત સામે આવી રહ્યાં છે. આવામાં રેપિડ ટેસ્ટ અંગે ગોત્રી કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસ ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે, હાલ વડોદરામાં એસએસજી હોસ્પિટલ, ગોત્રી અને અર્બન હેલ્થ સેન્ટરમાં કોવિડના રેપિડ ટેસ્ટ થઈ રહ્યાં છે. જેમા અનેક લોકોના ટેસ્ટ નેગેટિવ આવી રહ્યાં છે. તેથી દરેક વ્યક્તિ એમ માની લે છે કે તેને કોરોના નથી. તેઓ આનાથી ભયમુક્ત પણ બની રહ્યાં છે. પરંતુ ટેસ્ટ નેગેટિવ આવ્યાના બે દિવસ બાદ અનેક દર્દીઓની તબિયત લથડી રહી છે. આવામાં બાદમાં દર્દી ગંભીર હાલતમાં હોસ્પિટલ પહોંચે છે, ત્યા સુધી મોડું થઈ ગયું હોય છે.