વડોદરા-


માત્ર ૧૦ મિનિટમાં ટ્રેન ધોવાઇ જશે, ૮૦ ટકા પાણીની બચત થશે 



વડોદરા રેલવે સ્ટેશન પર રાજ્યના સૌથી પહેલા ઓટોમેટિક રેલ કોચ વોશિંગ પ્લાન્ટની શરૂઆત કરવામાં આવી છે. જ્યાં માત્ર ૧૦ મિનિટમાં જ આખી ટ્રેન ધોવાઇ જશે. મહત્વની વાત એ છે કે, આ કોચ વોશિંગ સિસ્ટમથી એક ટ્રેનને ધોવા પાછળ ફક્ત ૨૦ ટકા જ નવા પાણીનો ઉપયોગ કરશે, જ્યારે બાકીના ૮૦ ટકા પાણીને રિસાયકલ કરી ઉપયોગ કરવામાં આવશે. વડોદરા પાસે આવેલા રણોલીની ઓરીએન્ટલ મેન્યુફેક્ચરિંગ કંપની દ્વારા ગુજરાતનો સર્વ પ્રથમ રેલ કોચ વોશિંગ પ્લાન્ટ બનાવીને વડોદરા રેલવે સ્ટેશન ખાતે મેમુ શેડમાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે. આ મશીન ની ખાસિયત એ છે કે, 

આ મશીન ૧૦ મિનિટમાં જ ૨૪ કોચની ટ્રેનને વોશ કરી શકશે અને તેની માટે પ્રતિ કોચ દીઠ ૯૫૦ લીટર પાણીનો બચાવ પણ કરશે. ઓરીએન્ટલ મેન્યુફેક્ચરિંગ કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજર ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, આ ટેક્નોલોજી વિદેશોમાં ટ્રેનના વોશિંગ માટે ઉપયોગમાં લેવામાં આવે છે જેના પર અભ્યાસ કરીને ઓરીએન્ટલ કંપની દ્વારા સ્વદેશી સિસ્ટમ વિકસાવવામાં આવી છે. આ ઓટોમેટિક વોશિંગ પ્લાન્ટની મદદથી રેલ કોચને સમયસર વોશિંગની સાથે સાથે પાણીનો પણ બચાવ કરશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે,

સામાન્ય રીતે ભારતીય રેલવેના એક કોચને ધોવામાં આશરે ૧૨૦૦ લીટર પાણીનો વેડફાટ થાય છે. જેની સામે આ ઓટોમેટિક વોશિંગ સિસ્ટમ ફક્ત ૨૫૦ લીટર નવા પાણીનો ઉપયોગ કરશે બાકીનું પાણી રિસાયકલ કરીને વાપરવામાં આવશે. જેથી એક કોચના વોશિંગમાં આશરે ૯૫૦ લીટર પાણી બચાવવા સફળતા મળશે. આ ઓટોમેટિક વોશિંગ સિસ્ટમમાં ફક્ત બે વ્યક્તિ દ્વારા મશીનનું સંચાલન કરીને ૪ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ટ્રેનનું વોશિંગ કરશે.