મુંબઇ-

આવનારા સમયમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કમાન મુકેશ અંબાણીના બાળકોના હાથમાં હશે. સુત્રો અનુસાર, આવતા વર્ષના અંત સુધીમાં મુકેશ અંબાણી પોતાના બિઝનેસ અમ્પાયરના ઉત્તરાધિકારી નક્કી કરશે. ફેમીલી કાઉન્સીલ બનાવવું તે પણ ઉત્તરાધિકારી નક્કી કરવા માટેનો જ એક ભાગ છે. આ કાઉન્સીલમાં પરિવારનો એક વયસ્ક, 3 બાળકો અને સંભવત: બહારનો એક સભ્ય જે મેન્ટર અને સલાહકાર તરીકે કામ કરશે. 

મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે મિલકત વહેચણી દરમિયાન વિવાદ વર્ષો સુધી ચાલ્યો હતો. આ બાબતને ધ્યાને લઇને મુકેશ અંબાણી એક ફેમીલી કાઉન્સીલ બનાવી રહ્યા છે. જેથી રિલાયન્સ બિઝનેસ માટે ઉત્તરાધિકારી નક્કી કરી શકાય. આ કાઉન્સીલમાં પરિવારના તમામ સભ્યોનું યોગ્ય પ્રતિનિધિત્વ થશે જેમાં મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી, અનંત અંબાણી અને પુત્રી ઇશા અંબાણી પણ સામેલ થશે.

રિલાયન્સમાં કોઇ પણ નિર્ણય લેવામાં આ કાઉન્સીલ મહત્વની ભૂમિકા ભજવશે. કાઉન્સીલ દ્વારા પરિવારથી લઇને બિઝનેસ અંગેનાં મહત્વના નિર્ણયો લેવામાં આવશે. આ કાઉન્સીલ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય ભવિષ્યમાં રિલાયન્સની મિલકતની વહેચણીમાં કોઇ સમસ્યા ઉભી ન થાય તેવો છે. ધીરુભાઈ અંબાણીના નેતૃત્વમાં 80 અને 90ના દશકોમાં રિલાયન્સ માટે શાનદાર રહ્યો પરંતુ 2002માં ધીરુભાઈ અંબાણીના મૃત્યુ પછી પરિસ્થિતિ બગડવા લાગી. બંને ભાઈઓમાં વિવાદ થવા લાગ્યો અને બિઝનેસની વહેચણી કરવી પડી.