અમદાવાદ-

એક બાજુ, ભાજપ સરકાર મોટાઉપાડે આંબેડકર જયંતિની ઉજવણી કરે છે. આ ઉપરાંત વિવિધ કાર્યક્રમ થકી દલિતોના મસિહા હોવાનો ડ્રામા રચે છે ત્યારે આંચકો લાગે તેવી વાત એ છે કે, ગુજરાતની સરકારી કચેરીમાં બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરનો ફોટો મૂકવા ભાજપ સરકારે ધરાર ના પાડી દીધી છે. ભાજપ સરકારના આવા વલણને લઇને દલિતોમાં રોષ ભભૂક્યો છે.

સરકારી કચેરીમાં મહાત્મા ગાંધીથી માંડીને વિવિધ નેતાઓના ફોટા મૂકવામાં આવે છે. સરકારી કચેરીમાં ડો.બાબાસાહેબ આંબેડકરનો ફોટો મૂકવા દલિત અધિકાર મંચે રાજ્ય સરકારને ભલામણ કરી હતી. એટલું જ નહીં, રાષ્ટ્રીય નેતાઓની યાદીમાં ડો.બાબાસાહેબનો સમાવેશ કરવા રજૂઆત કરી હતી. જાેકે,રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગનું કહેવું છે કે, રાજ્ય સરકારની સક્રિય વિચારણાના અંતે એવુ નક્કી કરાયું છે કે, સરકારી કચેરીમાં રાષ્ટ્રીય નેતાઓના ફોટા મૂકવાની પ્રવર્તમાન સૂચનાઓ યથાવત રાખવી. આ જાેતાં ડો.બાબાસાહેબ આંબેડકરના ફોટા સરકારી કચેરીમાં મૂકવાની વાત ગ્રાહ્ય રાખવામાં આવી નથી. ભાજપ સરકારના આવા વલણને પગલે દલિત સંસ્થાઓએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપનો વિરોધ કરવા નક્કી કર્યુ છે. એટલું જ નહીં, ચૂંટણીનો બહિષ્કાર કરવાની ય ચિમકી ઉચ્ચારવામાં આવી છે.