વડોદરા, તા.૧૧

વડોદરા શહેરના નિઝામપુરા એસ.ટી ડેપો સામે મારૂતી કોમ્પેલક્સમાં આવેલી આશિર્વાદ હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં આગ ફાટી નીકળી હતી. આ બનાવને પગલે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફમાં અફરાતફરી મચી ગઇ હતી. જાેકે આગને પગલે એલાર્મ વાગતાજ દર્દીઓ અને સ્ટાફ તુરંત બહાર દોડી જતા તમામનો બચાવ થયો હતો. આગના બનાવની જાણ ફાયરબ્રિગેડને થતા ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગને કાબૂમાં લીધી હતી.પ્રાથમિક તબક્કે એસીમાં શોર્ટ સરકીટ થતા આગ લાગી હોંવાનુ જાણવા મળે છે.

શહેરના નિઝામપુરા એસ.ટી ડેપોની સામે આશીર્વાદ હોસ્પિટલ આવેલી છે. પ્રસુતિગૃહ અને સર્જીકલ હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં સાંજે ૪ વાગ્યાની આસપાસ એકાએક આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથે જ એલાર્મ વાગતા દર્દીઓ અને હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઇ હતી. જાેકે આગ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા દર્દીઓ અને સ્ટાફ હોસ્પિટલમાંથી નીચે ઉતરી ગયા હતા.

દરમિયાન આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા છાણી ટી.પી. ૧૩ના લાશ્કરો ગણતરીની મિનિટોમાં હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જાેકે, આગ કાબૂમાં આવે તે પહેલા ઓપરેશન થિયેટર બળીને ખાખ થઇ ગયું હતું. ફાયરના લાશ્કરોએ જણાવ્યું હતું કે, આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ ઓપરેશન થિયેટર ના એ.સી.માં શોર્ટ સર્કિટ ના કારણે આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક અનુમાન છે. હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો ઉપલબ્ધ છે અને ફાયર ઓનઓસી પણ મેળવેલી છે.