મહેસાણા : મહેસાણા જિલ્લામાં મંગળવારે રાત્રે એક અને બુધવારે વધુ ચાર મળીને ૨૪ કલાકમાં આગ લાગવાની પાંચ ઘટનાઓ બની હતી. જેમાં ખેરાલુ જીઆઈડીસીમાં કપાસિયા તેલની ફેક્ટરી, કડીની જિનીંગ ફેક્ટરી, મહેસાણાના તોરણવાળી ચોક સહિત જિલ્લામાં ત્રણ કારમાં આગ લાગવાના બનાવ બન્યા હતા. ખેરાલુ જીઆઇડીસીમાં સુકુન વી પટેલ નામની કપાસિયા તેલની ફેકટરીમાં બુધવારે સવારે શોર્ટ સર્કિટથી આગ લાગતાં કર્મચારીઓ-શ્રમિકો બહાર દોડી આવ્યા હતા. ફેકટરીમાં કપાસિયા તેલ અને કપાસના જથ્થાને લઈને આગે વિકરાળરૂપ ધારણ કરતાં અફરાતફરી મચી ગઈ હતી. ખેરાલુ, વડનગર, વિસનગર ઉપરાંત મહેસાણા પાલિકાની ફાયર ટિમ પણ ફાયર બ્રાઉઝર સાથે મદદે પહોંચી હતી. જેસીબી મશીનથી ફેક્ટરીનો શેડ તોડીને ફાયર ફાઇટર દ્વારા આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાઈ હતી. ફેક્ટરીમાં કપાસિયા તેલ અને કપાસનો મોટો જથ્થો બળી જતાં લાખોનું નુકશાન થયું હતું. મંગળવારે રાત્રે ખેરાલુના હિરવાણી રોડ પર ભૂંડ ટકરાવાથી ઈકો ગાડીમાં ધડાકા સાથે આગ લાગતાં ચાલક સહિત બે લોકો સમયસૂચકતા વાપરી નીચે ઉતરી ગયા હતા. જો કે, ખેરાલુથી ફાયર ફાયટર પહોંચે તે પહેલાં વાન સળગી ગઈ હતી. કડીના થોળ રોડ ઉપર રંગપુરડા ગામે આવેલી કડી નગરપાલિકાના કારોબારી ચેરમેન અને ૭૨ કડવા પાટીદાર સમાજના અગ્રણી વિષ્ણુભાઈ પટેલની વિવેકાનંદ જિનીંગ મિલમાં બુધવારે બપોરે શોર્ટ સર્કીટથી આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં જિનીંગ મિલના શેડમાં પડેલા કપાસની ૩૫ થી ૪૦ ગાંસડીઓએ આગ પકડી લેતાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું.