દેવગઢબારિયા, દેવગઢબારિયા નગરના ઘાટી ફળિયા જેવા રહેણાંક વિસ્તારમાં ઇલેક્ટ્રોનિક સામાનના ગોડાઉનમાં આજે સવારે અકસ્માતે લાગેલ આગમાં એસી ફ્રિજ સહિત ગોડાઉન બળીને રાખ થઈ જતા આગમાં લાખોનું નુકસાન થયાનું જાણવા મળ્યું છે. જ્યારે સમયસર સ્થળ પર પહોંચી ગયેલ ફાયરબ્રિગેડના લાશ્કરોએ સમય સુચકતા વાપરી પોતાની કામગીરી હાથ ધરી આગ પર કાબુ મેળવી આગ ઓલવી નાખતા વધુ નુકસાન થતું અટકી જવા પામ્યું હતું જાણવા મળ્યા મુજબ દેવગઢબારિયા નગરના ઘાટી ફળિયા જેવા રહેણાંક વિસ્તારમાં રહેતા નાના ભાઈ મોતીભાઈ બારીયાએ પોતાના મકાનમાં ફ્રીજ એસી જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું ગોડાઉન બનાવ્યું હતું.  

આ ગોડાઉનમાં આજે સવારે સવા દસ વાગ્યાના સુમારે અકસ્માતે આગ ભભૂકી ઉઠી હતી. તે સમયે તેજ પવનના સુસવાટાને કારણે આગ વધુ પ્રચંડ બનીને ફેલાઈ હતી આ ગોડાઉન ની આજુબાજુમાં કાચા મકાનોની હારમાળા આવેલી છે. જેથી આ પ્રચંડ આગ આખ્ખી વસ્તીને પોતાનો શિકાર બનાવે તેવી ભીતિ સેવાઇ રહી હતી. જેથી કરીને આગની જાણ તાત્કાલિક દેવગઢબારિયા ફાયર સ્ટેશનની કરવામાં આવતા દેવગઢ બારીયાના ફાયર બ્રિગેડના લાશ્કરો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પળનો પણ વિલંબ કર્યા વિના આગ ઓલવવાની કામગીરી રૂપે પાણીનો સતત મારો શરૂ કરી દીધો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી આગ ઓલવી નાખી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું.