વડોદરા-

શહેરના છાણી વિસ્તારમાં આવેલી વ્રજ હોસ્પિટલ બહાર ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળ્યો હતો. જેથી ટી.પી ૧૩ ફાયર સ્ટેશનના કર્મીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યાં તપાસ કરતા ટ્રાન્સફોર્મરમાં નહિ, પરંતુ હોસ્પિટલના જ ઇલેક્ટ્રિક મીટરોમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

જોકે, આ ઘટનામાં કોઈ જાનહાની કે માલહાની નોંધાઈ ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના છાણી વિસ્તારમાં વ્રજ હોસ્પિટલ આવેલી છે. આજે બપોરે ૧ વાગ્યાના સુમારે આ હોસ્પિટલ બહાર ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હોવાનો કૉલ ફાયર બ્રિગેડને મળ્યો હતો. ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હોવાનો કોલ મળતા એક તરફ ટીપી ૧૩ ફાયર સ્ટેશનના કર્મીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને આ અંગેની જાણ જી.ઈ.બી ના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચતા ટ્રાન્સફોર્મરમાં તો નહિ, પરંતુ હોસ્પિટલના જ મીટર રૂમમાં આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. જેથી એક તરફ જીઇબી દ્વારા આસપાસનો વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો અને ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં હોસ્પિટલના દર્દીઓમાં કોઈ નાસભાગ મચી ન હતી અને કોઈ જાનહાની કે માલહાની પણ નોંધાઈ ન હતી.