વડોદરા

રણોલી જીઆઇડીસીમાં આવેલ એક પેટ્રોકેમિકલ્સ મટીરીયલના ગોડાઉનમાં સોમવારે મોડીરાત્રે આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. આ બનાવ અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા શહેરના ૪ ફાયર સ્ટેશનના ૯ ફાયર એંજિન્સ દ્વારા સતત દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ગોડાઉન ધરાવતી કંપની દ્વારા ફાયર એન.ઓ.સી પણ મેળવવામાં આવ્યું ન હોવાથી તેની આસપાસની પણ સંખ્યાબંધ કંપનીઓએ એન.ઓ.સી મેળવ્યું હશે કે કેમ? તે અંગે સવાલો ઉભા થયા છે.

રણોલી જીઆઇડીસીમાં લોયડ ઇન્સ્યુલેશન ઇન્ડિયા લિમિટેડ નામની કંપનીનું ગોડાઉન આવેલું છે. અંદાજે ૧૧ હજાર સ્કવેર ફુટ જગ્યામાં આવેલ આ ગોડાઉનમાં કંપની દ્વારા જ્વલનશીલ કહી શકાય તેવા પેટ્રોકેમિકલના સેંકડો બેરલ રાખવામાં આવ્યા હતા. સોમવારે મોડીરાત્રે ગોડાઉનમાં રાખવામાં આવેલ પેટ્રોકેમિકલના બેરલો પૈકી એક બેરલમાં આગ લાગતા ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જ્વાળાઓ સાથે ભભૂકી ઉઠેલી આગને કારણે નજીકમાં રહેતા લોકોના ટોળા એકત્રિત થઇ ગયા હતા. આ સાથે કંપનીના તેમજ આસપાસમાં કારખાનાઓ ધરાવતા લોકો પણ આવી પહોંચ્યા હતા. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા અંદાજે દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. કંપનીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આગને કારણે અંદાજિત દોઢ કરોડનું નુકસાન પહોંચ્યું હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જોકે, આવનારા સમયમાં તેની ચોક્કસ તપાસ બાદ જ સાચો આંકડો સામે આવશે.ટી.પી.૧૩ ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર ઓમ જાડેજાના જણાવ્યા અનુસાર, સોમવારે મોડીરાત્રે લાગેલી આગ ફલેમેબલ(જ્વલનશીલ) કહી શકાય એવા કેમિકલના બેરલથી શરુ થઇ હતી. અંદાજે ૧૧ હજાર સ્કવેર ફુટ જગ્યામાં આવેલા આ ગોડાઉનમાં આવા કેમિકલના સેંકડો બેરલ હતા. ગણતરીના સમયમાં આગ ગોડાઉનના ૫ હજાર સ્કવેર ફૂટથી વધુની જગ્યામાં પ્રસરી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે શહેરના ૪ ફાયર સ્ટેશનમાંથી ૯ ફાયર એન્જીન અને ૩૦થી વધુ લાશ્કરોની મદદ લેવામાં આવી હતી. જોકે, ચોંકાવનારી બાબત એ છે કે, આ કંપની મલ્ટીનેશનલ હોવા છતાં તેઓ દ્વારા આ પ્રકારના જ્વલનશીલ પ્રવાહી રાખવા બદલ ફાયર એન.ઓ.સી મેળવવામાં આવી નહોતી.