વડોદરા : દિવાળીના પર્વની શહેરીજનોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. જોકે, ફટાકડા ફોડવાને કારણે શહેરના જુદા જુદા ૧૧ વિસ્તારોમાં આગ લાગવાના બનાવો બન્યા હતા. આ બનાવોમાં વાહન સળગવાની સાથે સાથે મેદાનોમાંનું સૂકું ઘાસ સળગી જતા શહેરના વિવિધ ફાયર સ્ટેશનો દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. દિવાળીની સાંજથી મોડીરાત સુધી શહેરીજનોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. પરંતુ આ ઉજવણી દરમ્યાન વિવિધ જગ્યાઓએ ફટાકડાઓને કારણે આગ લાગવાની કુલ ૧૧ ઘટનાઓ ફાયર બ્રિગેડના ચોપડે નોંધાઈ હતી. ગોરવા વિસ્તારની પંચવટી સોસાયટીમાં આવેકલ એક ફરાસખાનાના ગોડાઉનમાં ફટાકડાને કારણે આગ લાગતા સામાનને નુકસાન પહોંચ્યું હતું. બંસલ મોલની પાછળ આવેલ રજાનંદ ફ્લેટના ચોથા માળે પણ તેવી જ રીતે આગ લાગતા સામાન્ય નુકસાન પહોંચ્યું હતું. આ ઉપરાંત હરણી મોટનાથ રોડ પર આવેલ દેવાશીષ ફ્લેટમાં, નવાબજાર સ્થિત કાલુપુરામાં દુકાન પર, આજવા રોડ અને માણેજા વિસ્તારમાં ખુલ્લા મેદાનમાં ફટાકડાને કારણે આગ લાગી હતી. આ સહિતના વિવિધ વિસ્તારોમાં લાગેલી આગ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા શહેરના ચારેય સ્ટેશનના લાશ્કરો દ્વારા ત્વરિત કામગીરી કરીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.