ભાવનગર-

મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભાવનગર માં જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને જિલ્લાના જનપ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને શહેર તેમજ જિલ્લા માં કોરોના સંક્રમણ અને નિયંત્રણ સંદર્ભે સમગ્ર સ્થિતીનું આકલન કર્યુ હતું. તેમણે તંત્ર વાહકોને જરૂરી સૂચનો પણ કર્યા હતા.

મુખ્યમંત્રીએ બેઠક બાદ પ્રચાર માધ્યમો સાથે સંવાદ કરતાં કહ્યું કે, રાજ્ય સરકાર કોરોના સંક્રમણને રોકવા તેમજ સંક્રમિતોની સારવાર સેવામાં રાજ્યમાં પહેલો કેસ નોંધાયો ત્યારથી જ સંપૂર્ણ તાકાતથી કાર્યરત છે. લગભગ છેલ્લા પાંચ મહિનાથી દરરોજ સાંજે મુખ્ય મંત્રી નિવાસ સ્થાને હાઈ પાવર્ડ કોર ગ્રુપ મીટીંગ યોજી કોરોના સંદર્ભે વિવિધ નિર્ણયો અને તેનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી એ કહ્યું કે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે જિલ્લાની મુલાકાત લઇ કોરોના સંદર્ભે ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવી સમીક્ષા કરીને વહીવટીતંત્ર અને જનપ્રતિનિધિઓ સાથે પરામર્શ કરવાની રાજ્ય સરકારની નેમ છે.   મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ એકંદરે નિયંત્રિત છે. કોરોના દર્દીઓ માટે ઇન્જેક્શન પણ પૂરતા પ્રમાણમા ઉપલબ્ધ છે. આ ઇન્જેક્શનોની દેશમાં કુલ આયાતમાંથી 55% ઇન્જેક્શન માત્ર ગુજરાત આયાત કરે છે એમ તેમણે કહ્યું હતું. 

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ સહિત ની હોસ્પિટલોમાં ફાયર સેફટી સુનિશ્ચિત કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જ્યાં પણ ફાયર સેફટીની જોગવાઈઓનું પાલન નહીં થાય એ હોસ્પિટલ્સ સામે કડક પગલા લેવાની સૂચના પણ આપવામાં આવી છે. 

વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં રિકવરી રેટ 75.4 ટકા અને મૃત્યુ દર 3.5 ટકા જેટલો છે અને ગુજરાત કોરોના સંક્રમણમાં દેશમાં 12માં સ્થાને છે તેમ પણ અન્ય રાજ્યોની તૂલના કરતાં જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ નાગરિકો-પ્રજાજનો સોશિયલ ડિસ્ટન્સ જાળવે, માસ્કનો ફરજિયાત ઉપયોગ કરે તથા વારંવાર હાથ ધોવા-સેનીટાઇઝ કરવાની સારી આદતો વ્યાપકપણે કેળવે તે માટે મિડીયાને પણ જાગરૂકતા ફેલાવવા અનુરોધ કર્યો હતો.