અરવલ્લી : કોરોનાના કહેર વચ્ચે પણ વિક્રમ સંવત ૨૦૭૭ ને અરવલ્લી-સાબરકાંઠા જિલ્લાના પ્રજાજનોએ આનંદ ઉલ્લાસ અને આતશબાજી તેમજ રોશનીથી વધાવ્યો હતોય દીવડાઓના પ્રકાશ અને રોશનીથી ઝગમગાટ કરી બંને જિલ્લાની પ્રજાએ નવા વર્ષનો સત્કાર કરી આવકાર્યું હતું.દીપાવલીની રાત્રીએ જિલ્લાવાસીઓએ ફટાકડા ફોડી, આતશબાજી કરતા આકાશ રોશનીથી ઝળહળી ઉઠ્‌યું હતું. લોકોએ અને ખાસ કરી ભુલકાંઓએ મોડી રાત્રી સુધી ફટાકડા ફોડી દિવાળીની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી. મોડાસા તાલુકાના રામપુર(શિણાવાડ) ગામના પ્રજાજનોએ અને પશુપાલકોએ વર્ષોથી ચાલી આવતી પરંપરાગત રીત મુજબ ગામની પાદરે આખા ગામના પશુઓ એકઠા કરી પશુપાલકો અને પ્રજાજનો પશુઓ નજીક ફટાકડા ફોડી પશુઓને ભડકાવી અનોખી રીતે ઉજવણી કરી હતી. ગામલોકોના જણાવ્યા અનુસાર પશુઓને નવાવર્ષના દિવસે ભડકાવાથી વર્ષ દરમિયાન પશુઓ બીમાર પડતા ન હોવાની માન્યતાના પગલે દરવર્ષે આ રીતે ગામ લોકો અને પશુપાલકો નવા વર્ષની ઉજવણી કરતા હોય છે. તદુપરાંત ફટાકડાથી ભડકાવેલા પશુઓ આજદિન સુધી ક્યારેય કોઈ પણ માણસને નુકશાન પહોચાડ્યું નથી.આ કાર્યક્રમ પછી બંને ગામના લોકો મંદિરે એકઠા થઈ ભગવાનની પૂજા અર્ચના કરી એકબીજાને ભેટી શુભેચ્છા પાઠવી હતી. નવું વર્ષ સૌ કોઈને અને ગામ લોકોને ફળદાયી નીવડે તેવી શુભેચ્છા પાઠવી હતી.