વડોદરા : શહેરના અત્યંત સંવેદનશીલ ગણાતા ફતેપુરા વિસ્તારમાં મોડી સાંજે ફાયરિંગની ઘટના બની હોવાની વાત બહાર આવતાં વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી જતાં નજીવી બાબતે એક જ કોમના બે ઈસમો વચ્ચે થયેલી બોલાચાલી બાદ એરગન અને તલવારથી હુમલો કરાયો હોવાનું બહાર આવ્યું હતું. ઈજાગ્રસ્તને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

શહેરના ફતેપુરા ભાંડવાડાના નાકે આવેલ સંજરી ચીકન શોપ ઉપર ધસી આવેલા પાંચ ઈસમોએ ઉશ્કેરાટમાં આવી એરગનથી ફાયરિંગ અને તલવારથી હુમલો કર્યો હોવાની ઘટનાને પગલે શહેરભરમાં ચકચાર મચી ગઈ હતી. આ બનાવની જાણ પોલીસ વિભાગને થતાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બનાવ અંગેની માહિતી એકત્રિત કરી હતી. જેમાં સાથે અભ્યાસ કરતા બે બાળમિત્રો વચ્ચે થયેલા અણબનાવથી એક પક્ષની મહિલાઓ એકઠી થઈ સંજરી ચીકન શોપના માલિકના ઘરમાં પહોંચી જઈ અપશબ્દોનો મારો ચલાવ્યો હતો, એ સમયે ઘરમાં કોઈ પુરુષ સભ્ય હાજર નહીં હોવાથી મહિલાઓએ મોબાઈલ ફોન કરી જાણ કરતાં સંજરી ચીકન શોપના માલિક હાથીખાના પટેલ ફળલ્યામાં જઈ માત્ર ઠપકો આપ્યો હતો અને પરત એમની દુકાને આવી ગયા હતા.

આ ઠપકાની અદાવત રાખી સામાપક્ષના પાંચ જેટલા લોકો જેમાં મકસુદ, મોહસીન, મુનાફ સહિત અન્યનો સમાવેશ થાય છે. આ ટોળાએ સંજરી ચીકન શોપ ઉપર પહોંચી જઈ એરગન અને તલવાર વડે હુમલો કર્યો હતો. જેમાં એરગનથી ગોળી છોડાતાં સામે ભીંતમાં છરો અથડાયો હતો અને તલવાર વાગતાં માલિક સમીર મનસુરી લોહીલુહાણ થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો, જ્યાં સિટી પોલીસ ઈન્સ્પેકટર બામણિયાએ પહોંચી જઈને ઈજાગ્રસ્ત સમીર મનસુરીનું નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવને પગલે સંવેદનશીલ વિસ્તાર ફતેપુરા યાકુતપુરા, હાથીખાના, પાંજરીગર મહોલ્લામાં જાથ થતાં લોકોના ટોળાં ઉમટી પડયાં હતાં, જ્યારે બનાવના પડઘા અન્ય વિસ્તારોમાં પડતાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું હતું.

હુમલાખોર રોકેટે લોન્ચરના મામલામાં પણ સામેલ હતો!

વડોદરા. એરગન અને તલવારથી હુમલો કરનારા પાંચ પૈકી કેટલાક અગાઉ ફતેપુરામાંથી ઝડપાયેલા રોકેટ લોન્ચરના બનાવમાં પણ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. ઈજાગ્રસ્ત સમીરના ભાઈના જણાવ્યા અનુસાર હુમલો કરવા કુલ પાંચ જેટલા ઈસમો આવ્યા હતા અને હાથમાં તલવાર અને બંદૂક લઈને આવેલામાં મકસુદ, મોહસીન, મુનાફ તેમજ અન્ય બે જણાનો સમાવેશ થાય છે. પોલીસને આવી જાણકારી મળતાં જ હુમલાખોરોના ગુનાહિત ભૂતકાળની પણ તપાસ કરવામાં આવી છે.