હેમિલ્ટન 

ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી પહેલી ટેસ્ટ મેચ 134 રન અને એક ઈનિંગથી સહેલાઈથી જીતી લીધી હતી. કેન વિલિયમસનના દમદાર 251 રનને કારણે યજમાન ટીમે 7 વિકેટે 519 રનના સ્કોરપર દાવ ડિકલેર કર્યા હતો ત્યારપછી વેસ્ટ ઈન્ડિઝ પહેલી ઈનિંગમાં માત્ર 138 રન જ બનાવી શકી હતી. આ પછી ફોલોઓન હેઠળ રમવા ઉતરેલી વિન્ડિઝ ટીમ પોતાના ખાતામાં વધારે 247 રન જ ઉમેરી શકી હતી જેના લીધે 134 રને તેનો પરાજય થયો હતો.

ન્યુઝીલેન્ડના બોલરો સામે જે રીતે વેસ્ટ ઈન્ડિઝનો કોઈ પણ બેટસમેન પહેલી ઈનિંગમાં 30 રનનો આંકડો પાર નહોતો કરી શક્યો એ પ્રકાણે બીજી ઈનિંગમાં જર્મેઈન બ્લેકવુડ અને અલ્ઝારી જોસેફને બાદ કરતાં કોઈ પણ વિન્ડિઝ પ્લેયર 15 રનનો આંકડો પણ પાર કરી શક્યો નહોતો. ટીમના 6 પ્લેયર એકઅંકી સ્કોરમાં આઉટ થયા હતા. બ્લેકવુડ જબરદસ્ત 114 બોલમાં 104 રનની ઈનિંગ રમ્યો હતો જેમાં તેણે 11 ચોગ્ગા અને બે સિક્સર ફટકારી હતી. અલ્ઝારી જોસેફે 125 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને 86 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં નીલ વેગનરે સૌથી વધુ ચાર વિકેટ ખેડવી હતી. જ્યારે કાયલ જેમીસનને બે, ટીમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ અને ડેરિલ મિશેલને એક-એક વિકેટ મળી હતી.