વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના શાસકો અને તંત્ર શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં આવતા દુષિત પાણીના પ્રશ્ને વિવિધ પ્રયોગો કરવા છતાં ત્રણ ત્રણ વર્ષથી આ જટિલ પ્રશ્નને હાલ કરી શક્યા નથી.જેની સામે નાગરિકો દ્વારા વ્યાપક ફરિયાદો કરવા છતાં એને ધ્યાને લેવામાં આવતી નથી.પરંતુ હવે પાલિકામાં કોંગ્રેસના મહિલા કાઉન્સિલર અલકાબેન પટેલના વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે પૂજા પાર્કમાં આવેલ નિવાસ સ્થાનમાં પીવાના પાણીની લાઈનમાં પાણીની સાથે માછલીઓ આવતા તંત્ર અને શાસકોને વિપક્ષે આડે હાથ લીધા છે.તેમજ શહેરમાં શુદ્ધ પાણી વિતરણ કરવામાં આવે એવી માગ કરી છે.એની સાથોસાથ એવી ચીમકી ઉચ્ચારી છે કે, દુષિત પાણીના પ્રશ્ને સર્જાયેલા કૌભાંડના મામલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને લોકપાલ સમક્ષ રજૂઆત કરાશે. શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી દુષિત પાણી આવે છે.જેમાં ક્યારેક ડ્રેનેજ મિશ્રિત પાણી આવે છે.ક્યારેક પીળું, કાળું, દુર્ગંધ મારતું તો ક્યારેક પાણીમાં અળસિયા અને મરેલા કે જીવતા જીવજંતુઓવાળું પાણી આવતું હોય છે. આને લઈને અવારનવાર શાસકો સમક્ષ જે તે વિસ્તારના નાગરિકો દ્વારા મોરચાઓ કાઢીને કે આવેદનપત્રો આપીને રજૂઆતો કરવામાં આવી છે.પરંતુ મગર મચ્છ જેવા શાસકોના કૌભાંડને લઈને દુષિત પાણીની સમસ્યાનો કોઈ કઐયામી ઉકેલ લાવવામાં આવતો નથી. બલ્કે પાણી શુદ્ધ કરવાના નામે પ્રયોગો કરીને શાસકો દ્વારા મસમોટા કૌભાંડો આચરવામાં આવે છે.એવા આક્ષેપો થઇ રહયા છે. નિમેટા પ્લાન્ટમાં કરોડોનું રસાયણ વપરાયા પછીથી પણ દુષિત પાણીની સમસ્યા યથાવત રહી છે. આ મામલે પાલિકાના ઉચ્ચ અધિકારીઓને ફરજ મુક્ત કરાયા પછીથી પણ આ સમસ્યાનો આજદિન સુધી ઉકેલ આવ્યો નથી.પાલિકાનો ક્લોરીન, વલોણું,ફટકડી મિક્ષ પ્લાન્ટ વર્ષોથી બંધ છે.આને લઈને આજે પરિવાર ચાર રસ્તા પાસે પૂજા પાર્ક સોસાયટીમાં જ્યાં પાલિકાના કાઉન્સિલર રહે છે.તેમના ઘરે માછલીવાળું પાણી આવતા આશ્ચર્ય થયું હતું.પ્રજાની ફરિયાદો સામે આંખ આડા કાન કરનાર નગર સેવકોને ખુદ અનુભવ થતા વાત ગળે ઉતરી હતી. આ પાણી શુદ્ધિકરણનો જેને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.એ હંમેશા સબ કોન્ટ્રાકટ આપીને કામ કરાવે છે. શહેરમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ યોગ્ય રીતે કાર્યરત ન હોવા છતાં આઠ કરોડમાં ઈજારો અપાયો છે.જેમાં ગેરરીતિ છતાં ઇજારદારને બ્લેકલિસ્ટ કરાતો નથી એવા આક્ષેપ કર્યા છે. આ રીતે ધર્મ ભ્રષ્ટ કરતા પાણીના મામલે તાકીદે પગલાં લેવામાં આવે નહિ તો રાજ્યના મુખ્યમંત્રી,સ્ટેટ વિજિલન્સ અને લોકપાલને જાણ કરવાની ચીમકી વિપક્ષી નેતાએ ઉચ્ચારી છે.