વડોદરા

શહેરમાં હાલમાં કોરોના મહામારીના કારણે ચાલતા રાત્રિ કરફ્યુ હોવા છતાં ઘો નિંદ્રામાં પોઢતા પોલીસ તંત્રના ફાંદ નીચે તસ્કરો નગારા વગાડતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગોરવા વિસ્તારના દેવ ઈન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં ત્રાટકેલા તસ્કરોએ એક જ રાતમાં પાંચ પાંચ કારખાનાના તાળા તોડી રોકડ સહિત ૬૬ હજારથી વધુની મત્તાની ચોરી કરી કરતા ઈન્ડસ્ટ્રીઝના કારખાનેદારો અને વેપારીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.

અકોટા સ્ટેડિયમ પાસેના આત્મના ફ્લેટમાં રહેતા અમીત શાહ ગોરવામાં દેવ ઈન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં સિટીઝન વીઈંગ સિસ્ટમ નામે કારખાનું ધરાવે છે. ગઈ કાલે સાંજે કારખાનું બંધ કરીને તે ઘરે રવાના થયા હતા. દરમિયાન આજે સવારે તેમને કારખાનાના કર્મચારીએ તેમને જાણ કરી હતી કે કારખાનાનો મેઈન ગેટનું તાળું તુટેલુ છે અને ચોરી થઈ છે તેવું લાગે છે.

આ જાણકારીના પગલે તે તુરંત કારખાના પર દોડી ગયા હતા જયાં તેમને જાણ થઈ હતી કે ગત રાત્રે તસ્કરોએ તેમના કારખાનાના મેઈન ગેટનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઓફિસમાં અલગ અલગ રૂમના દરવાજાના તાળા તોડી નાખી સામાન વેરવિખેર કર્યો હતો તેમજ તેમની ઓફિસના ટેબલના ડ્રોઅરમાં રાખેલા રોકડા ૪૯ હજાર તેમજ બીજા રૂમમાંથી મોબાઈલ સહિત ૫૧ હજારથી વધુની મત્તાની ચોરી થઈ હતી.

આ દરમિયાન એસ્ટેટમાં અન્ય કારખાનાના કર્મચારીઓ-સંચાલકો આવી જતા એસ્ટેટમાં હોબાળો મચ્યો હતો અને અમીત શાહે તપાસ કરતા જાણ થઈ હતી કે રાત્રે તસ્કરોએ તેમના કારખાના ઉપરાંત એસ્ટેટમાં આવેલા સેનેટી લાઈફ સાયન્સ નામની દવાની કંપનીમાં, અમીત એન્જિનિયર્સ વર્ક્સમાં, દવે એન્જિનિયરીંગ પ્રા.લી. કંપનીમાં તેમજ હરિહર લાઈન પ્રોડક્ટ નામની કંપનીના પણ તાળા તોડ્યા હતા અને આ ચારેય કંપનીમાં ઘુસીને સામાન વેરણછેરણ કર્યો હતો જયારે અમિત એન્જિ.કંપનીમાંથી રોકડાં ૧૫ હજારની ચોરી કરી હતી. અમિત એન્જિ.કંપનીના સીસીટીવી કેમેરાના ફુટેજમાં એકથી વધુ તસ્કરો આવ્યા હોવાની જાણ થઈ હતી.

આ બનાવની અમિત શાહે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે તસ્કરો સામે ગુનો નોંધી તેઓની શોધખોળ શરૂ કરી છે.