વડોદરા, તા.૧૩ 

શહેરના લાલબાગ બ્રીજની નીચે ઝાડીઓમાં ગત રાત્રે બે મગર દેખા દેતા બ્રીજ નિચે રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.આ અંગેની જાણ વાઈલ્ડ લાઈફ રેસ્કયુ ટ્રસ્ટને કરાતા સંસ્થાના કાર્યકરો તુરંત દોડી ગયા હતા. અને પાંચ ફૂટના એક મગરને રેસ્કયુ કરી વન વિભાગને હવાલે કર્યો હતો. જ્યારે બીજા મગરની શોધખોળ હાથ ધરી છે.જ્યારે આજે બપોરે રાજમહેલ કંમ્પાઉન્ડ માંથી ૪.૫ ફૂટના મગરને ગુજરાત એસપીસીએ સંસ્થાના કાર્યકરોએ રેસ્કયુ કર્યો હતો.

વાઈલ્ડ લાઈફ રેસ્કયુ ટ્રસ્ટના અરવિંદ પવારને ગત રાત્રે લાલબાગ બ્રીજ નીચે રહેતા એક વ્યક્તીનો ફોન આવ્યો હતો કે,લાલબાગ બ્રીજ નીચે રોડની સાઈડમાં આવેલી ઝાંડીઓમાં બે મગર આવી ગયા છે.જેથી સંસ્થાના કાર્યકરો તુરંત દોડી ગયા હતા. અને એક કલાકની જહેમત બાગ અંધારામાં પાંચ ફૂટના એક મગરને રેસ્કયુ કરી વન વિભાગના હવાલે કર્યો હતો.જ્યારે બીજા મગરને પકડવા શોધખોળ હાથ ધરી છે.

આજે બપોરે ગુજરાત એસપીસીએ સંસ્થાના રાજ ભાવસાર પર રાજમહેલ કંમ્પાઉન્ડમાં બકરા ચરાવતા શખ્સનો ફોન આવ્યો હતો કે, મગર ઝાડ નીચે બેઠો છે અને બકરા પર હુમલો કરે તેવી શક્યતા છે. જેથી સંસ્થાના કાર્યકરો પહોંચી ગયા હતા. અને ૪.૫ ફૂટના મગરને રેસ્કયુ કરી વન વિભાગના હવાલે કર્યો હતો.