બાયડ, તા.૧૦  

લાંબા સમયના વિરામ પછી બાયડ શહેરી વિસ્તાર  તેમજ તાલુકાના ગામડાઓમાં ગઈકાલે રવિવારના દિવસે  બપોર બાદ શરૂ થયેલા વરસાદી ઝાપટા બાદ રાત્રે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જે સોમવારે વહેલી પરોઢે પણ ચાલુ રહેતા ૨૪ કલાકમાં પાંચ ઇંચ વરસાદ ઝીંકાતા નગર સહિત તાલુકામાં સર્વત્ર જળ બંબાકારની પરિસ્થિતિ સર્જાઇ હતી. ભારે વરસાદના પગલે બાયડ શહેરના નીચાણાવાળા કેટલાંક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. બાયડ નગર અને તાલુકામાં લાંબા સમય બાદ મનમુકીને વરસેલા વરસાદથી નગરની મોટાભાગની સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સોમવાર સવાર સુધી છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બાયડ તાલુકમાં ૧૨૪ મિલી એટલેકે પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે મોસમનો કુલ વરસાદ ૪૫૦ મિલી એટલે કે અઢાર ઇંચ વરસાદ નોંધાયો હતો. લાંબા સમયથી વરસાદની રાહ જોતા રાહ ખેડૂતોમાં ખેતીલાયક વરસાદ થવાથી આનંદ જોવા મળ્યો હતો. વરસાદના પગલે મુરઝાઇ રહેલા ઉભા પાકોને પણ જીવતદાન મળી ગયું હતું. હવામાન ખાતા દ્વારા ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં  પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે અધિકારીઓને બીજી કોઇ સૂચના ન મળ્‌ ત્યાં સુધી મુખ્યમથક ન છોડવા આદેશ આપવામાં આવ્યો હોવાનું સરકારી સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.