વડોદરા

કોરોનાના સંક્રમણનો બીજાે તબક્કો શરૂ થઈ ચૂકયો છે ત્યારે કોરોના વાઈરસના સંક્રમણને નિયંત્રણ કરવા માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે. દેશના રાજ્યો અને તંત્ર દ્વારા કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે તમામ સાવચેતીના પગલાં લેવાઈ રહ્યાં છે તેમ છતાં શહેર-જિલ્લામાં મક્કમ ગતિએ વધી રહેલા કોરોના અંતર્ગત આજે ૧૦૧ વધુ નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા. જેથી કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને ૨૦૨૯૭ પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં કુલ ૧૮,૭૦૫ લોકો કોરોનાને માત આપી ચૂકયા છે. જ્યારે આજે ૫ વ્યક્તિઓના બિનસત્તાવાર મૃત્યુ થયા હતા. જ્યારે ડેથ ઓડિટ કમિટીએ કોરોનામાં એકપણ મોત જાહેર ન કરતાં મૃત્યુઆંક ૨૩૩ પર સ્થિર રહ્યો હતો. આજે ૧૩૧ જેટલા દર્દીઓને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી, જેમાં ૬ દર્દીઓ સરકારી, ૨૧ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાંથી, ૧૦૪ દર્દીઓને હોમ આઈસોલેશનમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે કુલ ડિસ્ચાર્જ સંખ્યા ૧૮,૭૦૫ થઈ હતી.

મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારો જેવા કે તાંદલજા, હરણી, છાણી, સુલતાનપુરા, નવાબજાર, આજવા રોડ, પંચવટી કેનાલ, કલાલી, નવાયાર્ડ, દંતેશ્વર, ઓ.પી.રોડ, રાજેશ ટાવર, દિવાળીપુરા, ફતેગંજ, પ્રતાપનગર, મકરપુરા, કિશનવાડી, સવાદ કવાર્ટર્સ અને નવી ધરતી સહિતના વિસ્તારો તેમજ ગ્રામ્યના થુવાવી, બિલ, કરજણ, પાદરા, સાવલી, વાઘોડિયા, અંકોડિયા, સયાજીપુરા અને બાજવા સહિતના વિસ્તારોમાં કુલ ૩૭૮૫ જેટલા કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી વ્યક્તિઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેમાં ૩૬૮૪ નેગેટિવ અને ૧૦૧ પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. બીજી તરફ હાલના તબક્કે શહેરની અલગ અલગ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ૧૩૫૯ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જેમાં ૫૯ દર્દીઓ વેન્ટિલેટર પર, ૧૫૪ દર્દીઓ ઓક્સિજન પર અને ૧૧૪૬ સ્ટેબલ હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. આજે આવેલા ૧૦૧ કોરોનાના પોઝિટિવ કેસોમાં ગ્રામ્યમાંથી ૩૩ અને શહેરના ચાર ઝોન પૈકી દક્ષિણ ઝોનમાં ૧૮, ઉત્તર ઝોનમાં ૧૬, પશ્ચિમ ઝોનમાં ૧૮ અને પૂર્વ ઝોનમાં ૧૬ કેસોનો સમાવેશ થાય છે.

કોરોના દર્દીમાં નવો જીવલેણ રોગ દેખાયોઃ આંતરડું કાળું પડી જવું અને સ્વાદુપિંડ સડી જવું

કોરોના સંક્રમિત બાદ સાજા થયેલા દર્દીઓમાં નાક અને આંખ વચ્ચેના હાડકાંથી લઈને મગજ સુધી પહોંચતી ફંગલની બીમારીએ હાહાકાર મચાવ્યો છે, તેની સાથે કોરોનાની અસર ધરાવતા દર્દીઓને ત્રીજા પ્રકારનો ગંભીર રોગ પણ શરૂ થયો છે, જે કોરોના બાદ થાય છે. જેમાં પેટથી આંતરડા અને સ્વાદુપિંડ જેવા અંગોને લોહી પહોંચાડતી નસોમાં બ્લોકેજ થતાં આંતરડું કાળું પડવું તેમજ સ્વાદુપિંડ સડી જવાના કિસ્સા વધતાં તબીબોમાં ચિંતા પ્રસરી છે અને વધુ નવો પડકાર ઊભો થયો છે. અમદાવાદ સિવિલમાં માર્ચથી અત્યાર સુધી કોરોનાની અસરથી દર્દીઓના આંતરડા અને સ્વાદુપિંડ સડી જવાના ૧૫ જેટલા કિસ્સાઓ સામે આવ્યા છે. જઠરથી લઈને મળમાર્ગ સુધીનું આખું આંતરડું કાળું પડી ગયું હોય તેવા પાંચ દર્દીઓ મોતને ભેટયા છે. સર્જરી સિવાય આ રોગનો ઉપાય નથી. આ રોગ કોરોનાગ્રસ્ત હોય અને ૫૦ વર્ષથી વધુ વયની વ્યક્તિઓને ડાયાબિટીસ, હૃદયરોગ અને હાઈબ્લડપ્રેશરના દર્દીઓે આ રોગનો ભોગ બની શકે છે.