હિંમતનગર,તા.૩૦ 

 ઇડર પાવાપુરી જલ મંદિરના બંને મહારાજ સાહેબ વિરુદ્ધ વધુ ચારથીપાંચ પિડીત - શોષિત મહિલાઓએ પોલીસનો સંપર્ક કર્યો હોવાનુ અને બંને મહારાજોના નાર્કો એનાલીસીસ ટેસ્ટ કરવાનુ સાબરકાંઠા જિલ્લા એસ.પી. ચૈતન્ય મંડલીકે જણાવતા સમગ્ર પ્રકરણમાં બંને મહારાજની સ્થિતિ કફોડી બનતી જાય છે. પાવાપુરી જલમંદિરના આચાર્ય કલ્યાણ સાગર અને રાજા મહારાજ રાજતિલક સાગરના કૂકર્મોનો ભોગ બનેલ પિડીત - શોષિત મહિલાઓ પોલીસ કાર્યવાહીથી સંતુષ્ટ બની હિંમત દેખાડી રહી છે. સાબરકાંઠા જિલ્લા પોલીસવડા ચૈતન્ય મંડલીકે જણાવ્યુ કે આ ચાર પાંચ મહિલાઓ સિવાય અન્ય મહિલાઓ પણ આગળ આવવાની સંભાવના છે. બંને મહારાજોના નાર્કો એનાલીસીસ, ડીએનએ ટેસ્ટ સહિતના સાયન્ટિફીક પુરાવા એકત્ર કરાશે. અત્યાર સુધીમાં ચાર - પાંચ મહિલાઓએ પોલીસનો સંપર્ક કર્યો છે તેમના વિધિવત્ નિવેદન બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. બંને મહારાજોને જામીન મળી જતાં સૂન્ન થઇ ગયેલ જૈન સમુદાયને નવું ટોનિક મળી ગયું છે. ર્ડા. આશિત દોશીએ જણાવ્યુ કે બંનેના નાર્કો અને તમામના ડીએનએ ટેસ્ટ થશે તો ઘણા બધા ચોંકાવાજનક રહસ્યો ખૂલી શકે તેમ છે. પોલીસ દ્વારા રિમાન્ડ માટે બંને મહારાજ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વિહાર કરતા હોઇ ત્યાં આવો કોઇ ગુનો આચર્યો છે કે કેમ, જાતીય શોષણની ફરિયાદ થઇ છે તેમાં મહિલાઓ અલગ નિવેદન આપ્યું હોઇ તેને કોઇ લાલચ, પ્રલોભન કે દબાણ કરાયુ છે કે કેમ, મહિલાનું જાતિય શોષણ થયુ હોય તો તેમાં અન્ય કોઇ સામેલ છે કે કેમ, ટ્રસ્ટના હિસાબો, ટ્રસ્ટના નાણાં વાપર્યા છે કે કેમ તેની તપાસ જરૂરી હોવાના કારણો રજૂ કર્યા હતા. ઉચાપતની કોઇ સેક્શન લગાવાઇ ન હતી. એડિશનલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ જે.પી. પ્રજાપતિએ બંને મહારાજોના રિમાન્ડની માંગણી ફગાવી ૧૫-૧૫ હજારના જાતમુચરકા સહિત જામીન મંજૂર કર્યા હતા. બંને મહારાજોના નૈતિક અધઃપતનના હાઇ પ્રોફાઇલ કેસ તરફ સૌ કોઇની મીટ મંડાઇ હતી.