મુંબઈ

આઈપીએલ ટીમ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરને સાત કરોડ રૂપિયામાં ટીમ સાથે જોડવામાં આવ્યો છે. તેની ટીમમાં કેટલાક એવા ખેલાડી છે જે તેના કરતા વધારે સેલેરી મેળવે છે. તેમાં પ્રથમ નામ છે વિકેટકીપર બેટ્‌સમેન ઋષભ પંતનું, જેને ૧૫ કરોડ રૂપિયા મળે છે. પંતની આ રકમ રોહિત શર્મા અને મહેન્દ્રસિંહ ધોનીની બરાબર છે. કિંગ્સ ઇલેવન પંજાબનો પૂર્વ કેપ્ટન આર અશ્વિન આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સમાં સામેલ થયો છે. તેનો પ્રી સિઝન ટ્રેન્ડ વિન્ડોમાં દિલ્હીએ ૭.૬૦ કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સમાવેશ કર્યો છે. અશ્વિન પણ ઐયર કરતા વધારે સેલેરી મેળવે છે. દિલ્હી કેપિટલ્સમાં સામેલ શેનરોન હેટમાયર પણ તે ખેલાડીઓમાં સામેલ છે જે કેપ્ટન શ્રેયસ ઐયરથી વધારે પૈસા મેળવે છે. હેટમાયરના ટી-૨૦ રેકોર્ડના દમ પર ટીમે તેને ૭.૭૫ કરોડ રૂપિયામાં ટીમ સાથે જોડ્યો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સે ગત વર્ષ થયેલી હરાજીમાં બોલર પેટ કમિન્સને રેકોર્ડ કિંમતે સામેલ કર્યો હતો. ટીમે કમિન્સને ૧૫.૫૦ કરોડ રૂપિયામાં ટીમ સાથે જોડ્યો હતો. જ્યારે ટીમના કેપ્ટન દિનેશ કાર્તિકને ૭.૪૦ કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સના સ્ટાર ખેલાડીઓમાં સામેલ આન્દ્રે રસેલ બેટ અને બોલિંગ બંનેમાં મહત્વનો રોલ ભજવે છે. રસેલને ટીમ આ સિઝનમાં ૮.૫૦ કરોડ રૂપિયા આપવાની છે. રસેલે આઈપીએલ-૨૦૧૯ દરમિયાન ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે.