વડોદરા -

વડોદરા પાલિકા દ્વારા ગાંધી જન્મદિવસ નિમિત્તે તમામ કચેરીઓમાં મેઘા સફાઈ અભિયાન ચલાવાયું હતું. જે દરમ્યાન શહેરીજનોને સ્વચ્છતાનો આકરો દંડ ફટકારનાર ખુદ પાલિકાની વિવિધ કચેરીઓમાંથી ઢગલાબંધ અંદાજે પાંચ ટન જેટલો કચરો નીકળ્યો હતો. જેને લઈને પાલિકાની કચેરીઓમાં ગંદકીના ઢગલા ખડકાયેલા હોય છે. એવી નાગરિકોની ફરિયાદો અને દેખાવોને સમર્થન મળ્યું હતું. પાલિકા દ્વારા તમામ ઝોન, વોર્ડ ઓફિસો, પાર્ક્‌સ, ઝૂ, ઢોર ડબ્બા, ફાયર સ્ટેશનો, એસટીપીમાં સફાઈ કરાઈ હતી.મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાને જીવન પ્રણાલી બનાવી આરોગ્યપ્રદ જીવન જીવવાના સિધ્ધાંતને સાકાર કરવા તેઓની જન્મ જયંતી નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં કાયમ માટે સ્વચ્છતાની કામગીરી કાર્યરત રહે તેવા પ્રયત્નોને સાર્થક કરવાના ભાગરૂપે વડોદરા મહાનગર પાલિકા દ્વારા પણ બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીના જન્મ દિવસ નિમિતે પાલિકાની તમામ કચેરીઓ,પ્લાન્ટ,ઢોર ડબ્બા, વિવિધ પાણીની ટાંકીઓ વગેરેની સફાઇ કામગીરી મ્યુનિસિપલ કમિશનર સ્વરૂપ પીના સુચન અને માર્ગદર્શન મુજબ કરવામાં આવી હતી. પાલિકાની પાર્કસ એન્ડ ગાર્ડન શાખા, તમામ ઝોન અને વોર્ડ ઓફીસો, વ્હીકલ પુલ, આસોજ, આજવા અને નિમેટા પ્લાન્ટ, સુવેઝ પંપીંગ સ્ટેશનો, એસ.ટી.પી., પ્રાણી સંગ્રહાલય, લાલબાગ અને ખાસવાડી, ખટંબા ખાતેના ઢોર ડબ્બા, એફોર્ડેબલ હાઉસીંગ, ફાયર કંન્ટ્રોલ અને ફાયર સ્ટેશનો, પબ્લીક હેલ્થ લેબોરેટરી, વિવિધ પાણીની ટાંકીઓ, અર્બન હેલ્થ સેન્ટરો, યુ.સી.ડી., સહિત ખંડેરાવ માર્કેટ સ્થિત ટી.ડી.ઓ, ડ્રેનેજ પ્રોજેક્ટ, સ્ટ્રીટલાઇટ, બ્રીજ પ્રોજેક્ટ, હિસાબી શાખા વગેરે કચેરીઓની સફાઇ હાથ ધરાઇ હતી. સફાઇ દરમિયાન મુખ્ય કચેરીમાં નિકળેલ અંદાજે પાંચ ટન કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. તેમજ મ્યુનિસિપલ કમિશનર દ્વારા પૂર્વ ઝોન, વોર્ડ નં-૮, યુ.સી.ડી., એફોર્ડેબલ હાઉસીંગ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને ખંડેરાવ માર્કેટ સ્થિત તમામ કચેરીઓનું જાત નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ડેડ સ્ટોક કે માલ સામાન નિકાલ, જુના રેકોર્ડની નિયમ મુજબ જાળવણી અને નિકાલ અંગેની કામગીરી ઉપરાંત કચેરી કાયમી ધોરણે સ્વચ્છ રાખવા આદેશ આપ્યા હતા. સભાશાખામાં પણ સભાખંડનું મેયર ડો. જિગીષાબેન શેઠ, ડે. મેયર ડો. જીવરાજ ચૌહાણ અને શાસક પક્ષના નેતા કેતન બ્રહ્મભટ્ટ, દ્વારા જાતે સફાઇની કામગીરી કરી સ્વચ્છતા અભિયાનના કાર્યમાં સહભાગી થયા હતા.