કોવિડ કટોકટીને પહોંચી વળવા અને દર્દીઓને શક્ય હોય તેટલી ઉમદા સારવાર સેવાઓ ઉપલબ્ધ કરાવવા,સારવારની સુવિધાઓને વિસ્તારવા રાજ્ય સરકારના સાધન સુવિધા પીઠબળથી, નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલ તેમજ સ્થાનિક લોક પ્રતિનિધિઓ તેમજ ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવની પ્રેરણા અને પ્રોત્સાહનથી ટીમ વડોદરા છેલ્લા ઘણા સપ્તાહોથી અખંડ પરિશ્રમ કરી રહી છે. તેની એક કડીના રૂપમાં સમરસ હોસ્ટેલ કોવિડ હોસ્પિટલ ખાતે વેન્ટિલેટર અને આઇસીયુ કાર્યરત કરવા લગભગ સતત ૨૪ કલાકની અવિરત મહેનત કરવામાં આવી હતી. જેમાં મોડી રાત્રે લગભગ એક વાગે પાંચ વેન્ટિલેટર સહિત ૨૫ બેડનું આઇસીયુ સંચાલિત કરી દીધું હતું. રાત્રિના ૩ વાગે આ સુવિધા ખાતે એક જરૂરિયાતમંદ દર્દીને બાય પેપની ઓકસીજન સારવાર પર મૂક્યો હતો. આજ સાંજ સુધીમાં અહીં વધુ ૧૦૦ આઇસીયુ બેડ તૈયાર કરી દેવા તંત્ર યુદ્ધના ધોરણે કાર્યરત છે. સાંજ સુધીમાં વધુ ૧૫ વેન્ટિલેટર મળી જવાની અપેક્ષા છે.

હોમ આઈસોલેશનનો ભંગ કરનારા સામે પોલીસ કડક કાર્યવાહી કરશે

વડોદરા. હોમ આઈસોલેશનના નિયમોનો ભંગ કરનારાઓ સામે હવે પોલીસ કડક પગલાં લેશે. કોરોનાનો ફેલાવો વધવા પાછળના કારણો પૈકીનું એક અને મહત્ત્વનું કારણ એ છેકે જે લોકોના પોઝિટિવ રિપોર્ટ આવે છે અને હોમ આઈસોલેશનમાં હોય છે તેમ છતાં એ અંગેના નિયમોનો ભંગ કરી લોકો બહાર નીકળતા હોય છે. દવાઓ, શાકભાજી, દૂધ જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી માટે પોઝિટિવ દર્દીઓ નીકળતા હોવાથી રાજ્યના પોલીસવડાએ આ અંગે કડક પગલાં ભરવાની સૂચના આપતાં શહેર પોલીસ કમિશનરે પણ આવા લોકો સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.

દારૂલ ઉલુમ દ્વારા ૧૮૦ બેડની કોવિડ હોસ્પિટલ નર્મદા મંત્રીએ શરૂ કરાવી

 ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવે, નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલ અને ધારાસભ્યયો, પદાધિકારીઓ સાથે તાંદલજામાં દારૂલ ઉલુમ ખાતે સ્થાપિત ૧૮૦ બેડની કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ટ્રસ્ટીઓ સાથે પરામર્શ કર્યો હતો. ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં વેન્ટિલેટર સહિત આઇસીયુ અને બેડ કેપેસિટી વધારવાના આયોજનનો સંકેત આપવામાં આવ્યો હતો.

ઓકસીજન પુરવઠાની સમગ્ર સ્થિતિની સમીક્ષા કરાઈ

ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવે જિલ્લા પોલીસ અધિક્ષક અને ખોરાક અને ઔષધ વિભાગના મદદનીશ કમિશનર તેમજ ઓકસીજન પુરવઠાકારોના પ્રતિનિધિઓ સાથે પુરવઠા અને વિતરણની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું કે વડોદરાની ઓકસીજન સુરક્ષા માટે જરૂરી તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગોત્રી હોસ્પિટલમાં ૫૭૦ જેટલાં દર્દીઓ દાખલ છે.તે પૈકી ૨૭૫ દર્દીઓ આઇસીયુમાં છે અને ૧૯૫ વેન્ટિલેટર હેઠળ છે.અહી બે વેપરાઈઝર વધારી ઓકસીજન પુરવઠાનું મજબૂતીકરણ કર્યું છે.