મહેસાણા : મહેસાણા શહેરમાં શુક્રવારે સવારે ત્રણ કલાકમાં પડેલા સાંબેલાધાર ૪ ઇંચ વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઇ હતી. જ્યાં નજર કરો ત્યાં બસ પાણી જ પાણી દેખાતું હતું. અનેક સોસાયટીઓ અને નિચાણવાળા મુખ્ય માર્ગો જળબંબાકાર બની ગયા હતા. વરસાદના વિરામ બાદ પાણી ૬ કલાકે ઓસર્યા હતાં. જૂના શહેરમાં તો જળબંબાકારની સ્થિતિ બની હતી. ગોપીનાળુ પાણીથી છલોછલ થતાં ટ્રાફિક ર્ડા. આંબેડકર બ્રિજ થઇને માનવ આશ્રમ રોડ તરફ વાળતાં વિસનગર લીંક રોડ સર્કલે વરસાદમાં પહેલીવાર કલાકો સુધી ટ્રાફિકજામ રહ્યો હતો. સવારે ૯.૩૦ વાગે વરસાદ બંધ થયો, પણ ઘણા વિસ્તારોમાં બપોરે ૧૨ વાગ્યા સુધી પાણી ભરાયેલા રહ્યા હતા.ઘણાએ રસ્તામાં ખોટવાયેલા વાહનોને દોરીને લઇ જવા પડ્યા હતા. ભારે વરસાદમાં બે જગ્યાએ વીજળી પડતાં અને બે જગ્યાએ શોર્ટ સર્કિટથી નુકસાન થયું હતું. જ્યારે જિલ્લામાં ગુરૂવાર સાંજે ૬ થી શુક્રવાર સાંજે ૬ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં સૌથી વધુ ૪ ઇંચ વરસાદ મહેસાણા અને સવા ત્રણ ઇંચ વરસાદ કડીમાં વરસ્યો હતો. જોટાણામાં દોઢ, વિજાપુરમાં ૧ ઇંચ, બહુચરાજીમાં પોણો ઇંચ, ઊંઝામાં ૧૦, વડનગરમાં ૮, વિસનગરમાં ૫, ખેરાલુ અને સતલાસણામાં ૩-૩ મીમી વરસાદ નોંધાયો હતો. તલોદ ૪, હારિજમાં અઢી, મેઘરજ અને ભિલોડામાં દોેઢ ઇંચ વરસ્યો હતો. હવામાન વિભાગના ડાૅ. મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર, હાલમાં મોન્સુન ટ્રફ ઘણી નીચે છે. મધ્યપ્રદેશમાં લો-પ્રેશર સિસ્ટમ છે, જે ગુજરાત સુધી છે. આ બંને સિસ્ટમ એક્ટીવ હોવાની સાથે સ્થાનિક લોકલ સિસ્ટમના કારણે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો.