બિહાર-

ઉત્તર અને દક્ષિણ બિહારમાં સતત ભારે વરસાદને કારણે સ્થિતિ અસામાન્ય બની રહી છે. જેના કારણે ઘણા જિલ્લા પૂરની ચપેટમાં આવી ગયા છે. હવામાન વિભાગે રાજ્યમાં 72 કલાક માટે એલર્ટ જારી કર્યું છે અને વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે. જે જિલ્લાઓમાં આવતા ૬ કલાકનું એલર્ટ જાહેર કરાયું છે તેમાં સારણ, વૈશાલી, સીતામઢી, મુઝફ્ફરપુર, સમસ્તીપુર, દરભંગા, મધુબની, નવાદા અને જમુઇનો સમાવેશ થાય છે.

હવામાન વિભાગ અને ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ દ્વારા વરસાદને લઈને લોકોને જાગ્રત રહેવાની અપીલ કરાઈ છે. લોકોએ ખુલ્લા સ્થળોએ અથવા ઝાડ નીચે આશરો લેવો જોઈએ નહીં, કારણ કે વરસાદ સાથે ભારે વાવાઝોડાની સંભાવના છે. તે જ સમયે, રાજ્યના 4 જિલ્લાના 16 બ્લોકના નીચાણવાળા વિસ્તારો પૂરના પાણીથી ભરાયા છે. પશ્ચિમ ચંપારણના બે બ્લોક, બગહાના 2 બ્લોક, પૂર્વ ચંપારણ જિલ્લાના 5 બ્લોક જેમાં અરેરાજ, સંગ્રામપુર, કેસરીયા, સુગૌલી અને બંજરીયામાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે.

આ સાથે ગોપાલગંજમાં પણ 6 બ્લોક વૈકુંઠપુર, બરૌલી, કુચાયકોટ, માંઝા, સિંઘબલીયા અને સારણના ૩ બ્લોક પાનાપુર, તારૈયા અને મકેરના કેટલાંક વિસ્તારો ડૂબી ગયા છે અને ટ્રાફિક અટવાઈ ગયો છે. આ તમામ જિલ્લાઓમાં જિલ્લા વહિવટી ટીમ તૈયાર છે અને એનડીઆરએફ, એસડીઆરએફની મદદથી અત્યાર સુધી પૂરમાં ફસાયેલા 9 હજાર લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. તમામ અસરગ્રસ્ત જિલ્લામાં ડિઝાસ્ટર વિભાગ દ્વારા શિબિરો ગોઠવવામાં આવ્યા છે.

જોકે ગંડક નદીનું પાણીનું સ્તર નીચે આવી ગયું છે, પરંતુ લોકો 25 થી 30 નાની બોટો દ્વારા પસાર થઈ રહ્યા છે. હાલમાં, અન્ય ઘણા જિલ્લાઓ પણ 72 કલાક માટે એલર્ટ પર છે, કારણ કે નદીઓના પાણીના સ્તરમાં વધારો થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં ૨૪ કલાક જિલ્લા વહીવટીતંત્રની ટીમ અને પૂરતા પોલીસ બંદોબસ્ત, મેજિસ્ટ્રેટ્સ ધોવાણવાળા વિસ્તારોમાં ડેમો પર નજર રાખવામાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને.