પટના-

બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને રાજદના નેતા લાલુ યાદવને ચારા કૌભાંડમાં જામીન મળી જતાં સીબીઆઇ લાલુના જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. લાલુ સામે ચારા કૌભાંડના પાંચ આરોપ હતા. એમાંના ચાર આરોપની સુનાવણી પૂરી થઇ ચૂકી હતી અને ચારમાંથી ત્રણમાં લાલુને જામીન મળી ચૂક્યા હતા. સીબીઆઇ આ જામીનને સુપ્રીમમાં પડકારશે.

હાલ બિહારમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે એવા સમયે લાલુ બહાર રહે તો ઘણા નેતાઓ અને રાજકીય પક્ષોને ભારે પડે એમ છે. ચારમાંના ત્રણ કેસમાં લાલુ જામીન મેળવી ચૂક્યા હતા. ડોરંડા ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર 139 કરોડ રૂપિયા કાઢવાનો આ કેસ છે. દુમકા ટ્રેઝરીમાંથી 3.13 કરોડ રૂપિયા કાઢવાના કેસમાં લાલુને જામીન મળી જાય તો એ જેલમાંથી બહાર આવી જશે.

જાે કે આ કેસની સુનાવણી છઠ્ઠી નવેંબર પછી થવાની શકયતા છે કારણ કે તહેવારોની રજાઓના પગલે ઝારખંડ હાઇકોર્ટ ખુલે ત્યારે આ કેસની સુનાવણી નીકળી શકે. દુમકા ટ્રેઝરીમાંથી ગેરકાયદે મોટી રકમ ઉપાડવાના કેસમાં લાલુને બે કાયદા હેઠળ સાત વર્ષની જેલની સજા થઇ હતી. અત્યારે લાલુ દેવઘર ટ્રેઝરીમાંથી 79 લાખ રૂપિયા ઉપાડવાના કેસમાં જામીન પર છે. આ કેસમાં એમને સાડા ત્રણ વર્ષની જેલની સજા થઇ હતી. ચાઇબાસા ટ્રેઝરીમાંથી 33.13 કરોડ ઉપાડવાના કેસમાં પણ લાલુને ચાલુ માસની નવમીએ જામીન મળી ચૂક્્યા હતા. 

સીબીઆઇ માને છે કે લાલુને વિવિધ કાયદા હેઠળ ઘણી સજા થઇ હતી જેમાંની કેટલીક સજા લાલુએ ભોગવી નથી. લાલુ યાદવ 2017ના ડિસેંબરથી રાંચી જેલમાં સજા ભોગવી રહ્યા હતા. એમના વકીલ પ્રભાત કુમારની દલીલ એવી છે કે તમામ સજાઓ સાથે ભોગવવાની હોય. દરેક સજા કંઇ અલગ અલગ ન હોય.