અમદાવાદ-

ગુજરાતમાં રાસાયણિ ખાતર–ડિઝલ અને જંતુનાશક દવાનાં ભાવમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. કૃષિપ્રધાન ગુજરાતમાં રાસાયણિક ખાતરનાં ભાવમાં કરાયેલાં વધારાનાં પગલે ખેડૂતો માટે હાલ પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઇ છે. વિવિધ ખેડૂત સંગઠનોએ રાસાયણિક ખાતરમાં થયેલા ભાવવધારાનો વિરોધ કરી મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપરાંત નાણાંપ્રધાન–કૃષિ પ્રધાન અને મહેસૂલ પ્રધાન સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

ભારત કૃષિપ્રધાન દેશ તો ગુજરાત કૃષિપ્રધાન રાજ્ય છે. દરમિયાન અન્નદાતા ખેડૂતોને જ તેમના ખેત ઉત્પાદનનાં પૂરતા ભાવ આજે મળતા નથી એટલું જ નહીં ખેતઉત્પાદન માટે ઉપયોગી રાસાયણિક ખાતરનાં ભાવમાં ધરખમ વધારો ઝીંકાતા આ અંગેની રજૂઆત મુખ્યપ્રધાન વિજય રૂપાણી–નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ–કૃષિ પ્રધાન આર.સી.ફળદુ અને મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ સમક્ષ થઇ છે.

ગુજરાતનાં વિવિધ કિસાન સંગઠનોએ કરેલી રજૂઆતમાં જણાવાયા મુજબ રાસાયણિક ખાતર ઉપરાંત અન્ય પ્રશ્ને પણ ખેડૂતો પાયમાલ થઇ રહ્યાં છે. વર્ષ-૨૦૧૬ થી ૨૦૧૯ સુધી ફસલ વિમાનું વળતર ખેડૂતોને મળ્યું નથી. ખેત ઉત્પાદનના પૂરતાં ભાવ ખેડૂતોને મળતા નથી. આ ઉપરાંત ડિઝલ અને જંતુનાશક દવાના ભાવમાં પણ વધારો થતાં હવે ખેડૂતોની સ્થિતિ આર્થિક રીતે કથળી હોવાની રજાઆત કરવામાં આવી છે. આ સંદર્ભમાં ખેડૂતોને ઓર્ગેનીક ખેતી તરફ વાળવા આર્થિક સહાય આપવા , પાકવીમાના નાણાં ચૂકવવા અને અન્ય રાજ્યોની જેમ ખેડૂતોના દેવા માફ કરવાની માંગ કરવામાં આવી છે. ગુજરાત ખેત ઉત્પાદનમાં અગ્રેસર છે , એટલું જ નહીં ખેડૂત અને ખેતીના હિતમાં અનેકવિધ યોજના અમલી પણ છે ત્યારે ખેડૂતોના આર્થિક લાભમાં હવે સરકાર ખેડૂતોની વ્યથાને વાચા આપશે ? એવો પ્રશ્ન પણ ખેડૂત જગતમાં ચર્ચાઇ રહ્યો છે.