લડંન-

બ્રિટનમાં પહેલી વાર ભારતીય મૂળના લોકોની વસતીગણતરી અલગથી કરાઇ રહી છે. તેનું આયોજન 104 વર્ષ અગાઉ 1916માં સ્થાપિત ઇન્ડિયા લીગ કરશે. બ્રિટિશ ભારતીયોનાં હિતો માટે કામ કરતી ઇન્ડિયા લીગ ઓક્સફર્ડ યુનિ. સાથે મળીને ઓનલાઇન વસતી ગણતરી કરશે. ત્યાર બાદ ચાલુ વર્ષના અંતમાં પ્રથમ બ્રિટિશ ભારતીય રિપોર્ટ તૈયાર થશે, જે 2020માં બ્રિટનના બિનનિવાસી ભારતીયો અને તેમના મુદ્દા વિશે જણાવશે. 

ઇન્ડિયા લીગના ચેરમેન પટેલે જણાવ્યું કે બ્રિટિશ ભારતીય સમુદાય ઘણો બદલાઇ ગયો છે અને આ સરવે અમારા સમુદાયને બહુ જરૂરી આંકડા ઉપલબ્ધ કરાવશે, જે અમને અમારી ચિંતા સાથે જાેડાયેલા મહત્ત્વના મુદ્દા સમજવા અને ખાસ તો તેમને ઉકેલવામાં ઘણા મદદરૂપ થશે. હાઉસ ઑફ લોડ્‌ર્સના સભ્ય અને ઇન્ડિયા લીગના સલાહકાર સંદીપ વર્માએ કહ્યુ, કોરોના મહામારીએ બ્રિટિશ ભારતીય સમુદાય સહિત કેટલાક સમુદાયોની હાલની સ્વાસ્થ્ય અને સામાજિક અસમાનતાઓ ઉજાગર કરી છે. આ સરવે અમને પોતાના સમુદાયની વિવિધતા સમજવામાં મદદરૂપ થઇ શકે છે તથા બ્રિટિશ ભારતીયો માટેની નીતિ ઘડવાનું અને તેમનું જીવન સમૃદ્ધ બનાવવાનું માધ્યમ બની શકે છે. ભારતીય વિદેશ મંત્રાલયના આંકડા મુજબ બ્રિટનમાં ભારતીય મૂળના 18 લાખથી વધુ લોકો છે, જે બ્રિટનની કુલ વસતીના અંદાજે ત્રણ ટકા અને એશિયનોની વસતીના અંદાજે પાંચ ટકા છે.વસતી ગણતરીનો ઉદ્દેશ બ્રિટનમાં રહેતા ભારતીય સમુદાયની ઓળખ, ધાર્મિક માન્યતા અને વ્યવહારની વિવિધતા જાણવાનો છે. એ પ્રશ્ર્‌નોનો પણ સમજવાના છે કે જેમનો ઉકેલ તેઓ સામાજિક કે ન્યાયિક રીતે લાવવા ઇચ્છે છે. આ કવાયત ઓગસ્ટમાં પૂરી થવાનો અંદાજ છે.